Pakistan ની નાપાક હરકત, LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ
- પાકિસ્તાને LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું
- પાક સેનાએ LoC પર કેટલીક જગ્યાએ ફાયરિંગ કર્યું
- ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપ્યો
Pakistan violated ceasefire: લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ફરી એકવાર પાકિસ્તાને પોતાની નાપાક હરકત દેખાડી છે. પાકિસ્તાની સેનાએ સીઝફાયર (ceasefire) કરારનું ઉલ્લંઘન કરતાં શુક્રવારે વહેલી સવારે LoC પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની આ કાર્યવાહીનો મુંહતોડ જવાબ આપ્યો છે.
ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, "પાકિસ્તાની સેનાએ LoC પર કેટલીક જગ્યાએ ફાયરિંગ શરૂ કર્યું હતું. ભારતીય સેનાએ તેનો મુંહતોડ જવાબ આપ્યો. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે." સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.
ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો
આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસો પહેલાં જ પાકિસ્તાને 1 એપ્રિલે પણ પૂંછના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. તે સમયે પણ પાકિસ્તાની સેનાએ માઇન વિસ્ફોટ બાદ ફાયરિંગ કર્યું હતું, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ આ ઘટના બાદ પણ 2021ના ડિરેક્ટર જનરલ્સ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGsMO)ના કરારનું પાલન કરવાની અપીલ કરી હતી, જેનો ઉદ્દેશ LoC પર શાંતિ જાળવવાનો છે.
પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપે છે
આ ઘટના પહેલગામમાં તાજેતરના આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના સંદર્ભમાં પણ મહત્વની ગણાય છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોનાં મોત થયા હતા. ભારતે આ હુમલા માટે પાકિસ્તાન પર "સરહદ પારના આતંકવાદ"ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે, જેના પગલે ભારતે પાકિસ્તાન સાથેના મુખ્ય ક્રોસિંગ પોઇન્ટ બંધ કરી દીધા છે.
સૂત્રોનું માનીએ તો, પાકિસ્તાનની આ તાજેતરની ફાયરિંગનો હેતુ સરહદ પાર આતંકવાદીઓની ઘૂસણખોરીને આવરી લેવાનો હોઈ શકે છે. જોકે, ભારતીય સેનાની સતર્કતાને કારણે આવા કોઈ પ્રયાસો સફળ થયા નથી. ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે તે LoC પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે અને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીનો કડક જવાબ આપવા માટે તૈયાર છે.