Pahalgam Terror Attack : રામબનના દ્રશ્યો...પાકિસ્તાનને નથી છોડવાનું...ચિનાબનું પાણી રોકાયું..
Pahalgam Terror Attack :જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકારે કેટલાક મહત્ત્વના પગલાં ભર્યા છે. બુધવારે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા બાદ હવે આજ ગુરૂવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાને ધ્યાને રાખતા મહત્ત્વની મનાઈ રહી છે. ત્યારબાદ આજે સાંજે સર્વદળીય બેઠક બોલાવાઈ હતી. જેની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કરી હતી.
સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી
આજે ભારત સરકારે પાકિસ્તાનને સિંધુ નદી જળ સંધિ 'સ્થગિત' કરવાની જાણ કરી છે. કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 26 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠકમાં, 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની જીવાદોરી કહેવાતી સિંધુ અને તેની સહાયક નદીઓના પાણી પર ભારત નિયંત્રણ મેળવતાની સાથે જ ત્યાંના લોકો પાણીની તડપ કરવા લાગશે. સિંધુ અને તેની ઉપનદીઓ ચાર દેશોમાંથી વહે છે. એટલું જ નહીં, 21 કરોડથી વધુ વસ્તીની પાણીની જરૂરિયાતોની પરિપૂર્ણતા આ નદીઓ પર આધારિત છે.
સિંધુ જળ સંધિ અને પાકિસ્તાન...
- પાકિસ્તાનની ૮૦ ટકા ખેતીલાયક જમીન (૧૬ મિલિયન હેક્ટર) સિંધુ નદી પ્રણાલીના પાણી પર આધાર રાખે છે.
- આ પાણીનો 93 ટકા ઉપયોગ સિંચાઈ માટે થાય છે, જેના વિના ખેતી અશક્ય છે.
- તે 237 મિલિયનથી વધુ લોકોને ખોરાક પૂરો પાડે છે. આમાં પાકિસ્તાનના સિંધુ બેસિનની 61 ટકા વસ્તીનો સમાવેશ થાય છે.
- કરાચી, લાહોર અને મુલતાન જેવા પાકિસ્તાનના મુખ્ય શહેરો સિંધુ અને તેની સહાયક નદીઓ પર આધાર રાખે છે.
- પાકિસ્તાનના તારબેલા અને મંગલા જેવા પાવર પ્રોજેક્ટ્સ આ નદી પર આધારિત છે.
- સિંધુ જળ સંધિને સ્થગિત કરવાથી પાકિસ્તાનમાં ખાદ્ય ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી લાખો લોકોની ખાદ્ય સુરક્ષા જોખમાઈ શકે છે.
- પાકિસ્તાનનો શહેરી પાણી પુરવઠો બંધ થઈ જશે, જેના કારણે ત્યાં અશાંતિ ફેલાઈ જશે.
- વીજ ઉત્પાદન બંધ થઈ જશે, જેના કારણે ઉદ્યોગો અને શહેરી વિસ્તારો અંધારામાં રહેશે.
સિંધુ જળ સંધિ શું છે?
સપ્ટેમ્બર 1960માં કરાચીમાં તત્કાલીન ભારતીય વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની લશ્કરી જનરલ અયુબ ખાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. ૬૨ વર્ષ પહેલાં થયેલા સિંધુ જળ સંધિ હેઠળ, ભારતને સિંધુ અને તેની સહાયક નદીઓમાંથી 19.5 ટકા પાણી મળે છે. પાકિસ્તાનને લગભગ ૮૦ ટકા પાણી મળે છે. ભારત તેના હિસ્સાના માત્ર 90 ટકા પાણીનો ઉપયોગ કરે છે. આ કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1960માં થયો હતો, જેમાં સિંધુ ખીણને 6 નદીઓમાં વિભાજીત કરવામાં આવી હતી. આ કરાર હેઠળ, બંને દેશો વચ્ચે દર વર્ષે સિંધુ જળ આયોગની બેઠક યોજવી ફરજિયાત છે.
પશ્ચિમી નદીઓ પાકિસ્તાનને આપવામાં આવી
સિંધુ જળ સંધિ અંગે છેલ્લી બેઠક 30-31 મે 2022ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. બંને દેશોએ આ બેઠકને સૌહાર્દપૂર્ણ ગણાવી. પૂર્વીય નદીઓ પર ભારતનો અધિકાર છે. જ્યારે પશ્ચિમી નદીઓ પાકિસ્તાનને આપવામાં આવી હતી. આ કરાર વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરવામાં આવ્યો હતો. ભારતને ત્રણ પૂર્વીય નદીઓ સતલજ, બિયાસ અને રાવીમાંથી ફાળવવામાં આવતા કુલ 168 મિલિયન એકર ફૂટ પાણીમાંથી ૩૩ મિલિયન એકર ફૂટ વાર્ષિક પાણી ફાળવવામાં આવ્યું છે.