"One Nation, One Election" માટે સરકારનો ફરી પ્રયાસ! જાણો પડકારો અને સંભાવનાઓ વિશે
One Nation One Election Bill : મોદી સરકાર આ સત્રમાં "વન નેશન વન ઈલેક્શન" બિલ (One Nation One Election Bill) રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ બિલને સર્વસંમતિથી પસાર કરવામાં આવશે, પછીથી તેને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા ચર્ચા માટે મોકલવામાં આવશે. JPC એ આ બિલ પર વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે. જો આ સત્રમાં આ બિલ પસાર ન થઈ શકે તો તે આગામી સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.
"વન નેશન વન ઈલેક્શન" બિલ પર રિપોર્ટ
મોદી સરકાર આ બિલ પર સર્વસંમતિ માગે છે. રામનાથ કોવિંદ સમિતિએ "વન નેશન વન ઈલેક્શન" અંગે પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટને મોદી કેબિનેટ તરફથી મંજૂરી મળી છે. સમિતિમાં 62 રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 32 પક્ષોએ આ યોજનાને ટેકો આપ્યો હતો, જયારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો. 15 પક્ષોએ આ યોજનાની સમીક્ષા માટે કોઈ જવાબ આપ્યો નહતો. મોદી સરકાર શરૂઆતથી જ વન નેશન વન ઇલેક્શનના પક્ષમાં છે. ભાજપે 2024ની સામાન્ય ચૂંટણીના ઢંઢેરામાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો. ભાજપે વચન આપ્યું હતું કે સમિતિની ભલામણોને લાગુ કરવાના પ્રયાસો કરવામાં આવશે.
મોદીએ આ યોજના પર વધુ ભાર મુક્યો છે
PM નરેન્દ્ર મોદીએ આ બિલ વિશે લાલ કિલ્લે 15 ઑગસ્ટના સંબોધનમાં કહ્યું હતું કે અવાર-નવારની ચૂંટણીઓ દેશની પ્રગતિ માટે અવરોધ બની રહી છે. તેમણે આ વાતની ચર્ચા કરી હતી કે દરેક 6 મહિનાની અંદર દેશમાં વિભિન્ન જગ્યાએ ચૂંટણીઓ થતી રહે છે, જેના કારણે સરકારની યોજનાઓ પર અસર પડે છે. તેઓએ લોકોને આ વિષય પર આગળ વધીને "એક દેશ, એક ચૂંટણી" માટે એકમત થવાની અપીલ કરી હતી.
સરકારને કેટલા મતોની જરૂર?
નિષ્ણાતોનું કહેવું છે કે ‘વન નેશન વન ઈલેક્શન’ યોજનાને લાગુ કરવા માટે બંધારણમાં સુધારો કરવા માટે ઓછામાં ઓછા 6 બિલ લાવવા પડશે અને આ માટે સરકારને સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. હાલમાં સંસદના બંને ગૃહોમાં NDA પાસે માત્ર સાધારણ બહુમતી છે. આવી સ્થિતિમાં સંસદના કોઈપણ ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરવી સરકાર માટે મુશ્કેલ કામ બની શકે છે. રાજ્યસભાની 245 બેઠકોમાંથી NDA પાસે 112 બેઠકો છે અને વિપક્ષી દળો પાસે 85 બેઠકો છે. સરકારને બે તૃતીયાંશ બહુમતી માટે ઓછામાં ઓછા 164 મતોની જરૂર છે.
આ પણ વાંચો: રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીમાં વિપક્ષ, મળ્યો આ પાર્ટીઓનો સાથ