Kolkata Doctor Murder Case : અત્યારે નહીં, તો ક્યારે? હરભજન સિંહે આક્રોશ સાથે મમતા બેનર્જીને લખ્યો પત્ર
- કોલકાતા ડૉક્ટર હત્યા કેસ: હરભજન સિંહનું મમતા બેનર્જીને પત્ર
- નિર્દય હત્યા પર હરભજન સિંહનો આક્રોશ
- દેશ જાગોની હરભજન સિંહની અપીલ
Harbhajan Singh reacts Kolkata Doctor Murder Case : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ (RG Kar Medical College) માં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બનેલી દુર્ઘટનાએ દેશભરમાં ભારે ચકચાર મચાવી છે. આ ઘટનામાં ડૉક્ટર પર દુષ્ક્રમ અને તે પછી હત્યા કરવાની વાત જેવી સામે આવી કે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા. આ મામલે હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના સાંસદ હરભજન સિંહે (former cricketer of Team India and Aam Aadmi Party MP Harbhajan Singh) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
હરભજન સિંહે પોતાના પત્રમાં શું લખ્યું?
હરભજન સિંહે (Harbhajan Singh) મમતા બેનર્જીને લખેલા પત્રમાં આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી છે. તેમણે આ ઘટનાને માત્ર એક વ્યક્તિ વિરુદ્ધનું અપરાધ નહીં, પરંતુ સમગ્ર સમાજની દરેક મહિલાની ગરિમા અને સુરક્ષા પર હુમલો ગણાવ્યો છે. હરભજને મમતા બેનર્જીને લખેલા બે પાનાના પત્રમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ અને ભારતના નાગરિકોને સંબોધિત કર્યા. હરભજને પોતાના પત્રમાં લખ્યું છે કે, 'હિંસાના આ અકલ્પનીય કૃત્યથી આપણા બધાના અંતરાત્મા હચમચી ગયા છે. આ માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ જઘન્ય અપરાધ નથી, પણ સમાજમાં ઊંડા મૂળમાં રહેલા મુદ્દાઓનું પ્રતિબિંબ છે. તેમણે અધિકારીઓ દ્વારા પ્રણાલીગત પરિવર્તન અને પગલાંની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હરભજન સિંહે પત્રમાં એ વાત પર પણ ચિંતા વ્યક્ત કરી છે કે, આ ઘટના એક તબીબી સંસ્થાના પરિસરમાં બની છે. તેમણે કહ્યું કે, જ્યાં લોકોને સ્વસ્થ કરવાનું કામ થાય છે, ત્યાં આ પ્રકારની ઘટના બનવી ખૂબ જ દુઃખદ છે.
હરભજને લખ્યું - અત્યારે નહીં, તો ક્યારે?
હરભજને મમતા બેનર્જીને ઝડપથી અને નિર્ણાયક રીતે કાર્ય કરવા વિનંતી કરી છે. હરભજન કહે છે, 'મહિલાઓની સુરક્ષા અને ગૌરવ સાથે બાંધછોડ કરી શકાય નહીં. આ જઘન્ય અપરાધના ગુનેગારોને કાયદાના સંપૂર્ણ આંચકાનો સામનો કરવો જોઈએ અને સજા અનુકરણીય હોવી જોઈએ. તો જ આપણે આપણી સિસ્ટમમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકીશું અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને તેની ખાતરી કરી શકીશું. ઉપરાંત, આપણે એક એવો સમાજ બનાવી શકીએ છીએ જ્યાં દરેક સ્ત્રી પોતાને સુરક્ષિત અનુભવે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ - જો અત્યારે નહીં, તો ક્યારે? મને લાગે છે કે, હવે પગલાં લેવાનો સમય આવી ગયો છે.
હરભજનનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
હરભજન સિંહ ભારતના જાણીતા ક્રિકેટર છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો રમી છે અને ઘણી મહત્વની વિકેટ ઝડપી છે. અનુભવી સ્પિનર હરભજન સિંહે (Harbhajan Singh) ડિસેમ્બર 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી ભજ્જીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને એપ્રિલ 2022માં આમ આદમી પાર્ટી (AAP)ની ટિકિટ પર રાજ્યસભામાં ચૂંટાયા. હરભજને પોતાની બોલિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી મેચો જીતાડી છે. તેમણે 2001માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક ટેસ્ટ મેચમાં હેટ્રિક પણ નોંધાવી હતી. તે સમયે હરભજનની ઉંમર માત્ર 21 વર્ષ હતી અને તે મેચ બાદ હરભજન સિંહ ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ બની ગયો હતો. હરભજન સિંહ તેની શાનદાર કારકિર્દી દરમિયાન 2011 વર્લ્ડ કપ અને 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમોના સભ્ય પણ હતા. તેણે 2011ના વર્લ્ડ કપમાં 9 અને 2007ના T-20 વર્લ્ડ કપમાં 7 વિકેટ લઈને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન, હરભજને 103 ટેસ્ટમાં 417 વિકેટ, 236 ODI આંતરરાષ્ટ્રીય મેચોમાં 269 વિકેટ અને 28 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 25 વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનીય છે કે, આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ મળી આવ્યો હતો, જે બાદથી જ દેશભરમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને તેના સાથીના કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં શનિવારે 24 કલાકની દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું હતું.