ખેડૂતોની લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી માટે Kangana Ranaut ની મુશ્કેલીઓ વધી
- અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતની મુશ્કેલીઓમાં વધારો
- કંગના રનૌત સામે આગ્રામાં કોર્ટનું સમન્સ, ખેડૂતો પર ટિપ્પણી માટે મુશ્કેલીમાં
- કોર્ટ દ્વારા કંગના રનૌતને નોટિસ, ખેડૂતોની લાગણીઓને ઠેસ પહોંચાડનારા નિવેદન માટે મુશ્કેલીમાં આવી
- કંગના રનૌતની વિવાદાસ્પદ ટિપ્પણી માટે આગ્રા કોર્ટમાં સુનાવણી, સાક્ષીઓના નિવેદનો નોંધાયા
Kangana Ranaut : બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ આગરાની સ્પેશિયલ કોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદ પર સુનાવણી ચાલી હતી, જેના કારણે કંગનાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મંગળવારે આ મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ કોર્ટ દ્વારા કંગનાને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને નોટિસ પણ જારી કરાયું છે, જેમાં કંગનાને કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન અરજદારના વકીલોએ કંગનાના વિવાદાસ્પદ નિવેદનો અંગે દલીલો કરી હતી. કોર્ટ દ્વારા આ કેસની આગામી સુનાવણી માટે 28 નવેમ્બર, 2024 ની તારીખ નક્કી કરવામાં આવી છે.
કંગના વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો
જણાવી દઇએ કે, રાજીવ ગાંધી બાર એસોસિએશનના પ્રમુખ રમાશંકર શર્માએ કંગના વિરુદ્ધ 11 સપ્ટેમ્બરે આ કેસ દાખલ કર્યો હતો. કોર્ટમાં કરવામાં આવેલા આક્ષેપ અનુસાર, 26 ઓગસ્ટ, 2024 ના રોજ કંગનાએ ખેડૂતોની લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરી હતી. કંગનાએ આ નિવેદનમાં કહ્યું હતું કે, "જો દેશનું નેતૃત્વ મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત." આ નિવેદનનો પ્રસાર 27 ઓગસ્ટના રોજ આગ્રાના દૈનિકોમાં પણ થયો હતો.
અરજદારની કાર્યવાહી અને દલીલો
કંગના સામે આ મામલાની કાર્યવાહી માટે, 31 ઓગસ્ટે પોલીસ કમિશનર અને ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશનને લેખિત ફરિયાદ મોકલવામાં આવી હતી, જેમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. મંગળવારની સુનાવણીમાં, વરિષ્ઠ વકીલ દુર્ગવિજય સિંહ ભૈયા અને રામદત્ત દિવાકરે કંગનાના વિરુદ્ધ દલીલો રજૂ કરી હતી. તેમની માગણી હતી કે કંગનાએ આ ટિપ્પણી માટે કોર્ટમાં પોતાનો પક્ષ રજુ કરવો જોઈએ.
સાક્ષીઓના નિવેદનો
આ કેસમાં સાક્ષી તરીકે રાજેન્દ્ર ગુપ્તા અને અજય કિશોર સાગરના નિવેદનો નોંધવામાં આવ્યા છે, જે કંગના દ્વારા ખેડૂતો અંગે કરેલી ટિપ્પણીને સ્વીકાર્ય નથી માની રહ્યા. કોર્ટમાં રજૂ કરાયેલ દલીલોના આધાર પર, અરજદાર પક્ષે આ ટિપ્પણીને અપમાનજનક ગણાવી છે. કોર્ટ દ્વારા કંગનાને સમન્સ સાથે નોટિસ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો: લો બોલો! ચૂંટણી રેલીમાં મિથુન ચક્રવર્તીનું પાકીટ ચોરાઈ ગયું