જેટ એરવેઝ પર હવે કાયમ માટે લાગ્યા તાળા! SC એ જેટના તમામ સંસાધનો વેચવા કર્યો આદેશ
- જેટ એરવેઝ પર હવે કાયમ માટે લાગ્યા તાળા!
- દેશમાં ફરીથી ઓપરેટ નહીં થાય જેટ એરવેઝ
- સુપ્રીમ કૉર્ટે જેટના તમામ સંસાધનો વેચવા કર્યો આદેશ
- સુપ્રીમે NCLATનો ચુકાદો પલટી આપ્યો આદેશ
- સંપત્તિ-સંસાધનો વેચી તમામ દેવાની થશે ચૂકવણી
- 2019થી જેટ એરવેઝનું ઓપરેશન કરાયું છે બંધ
જેટ એરવેઝ (Jet Airways) ને લઇને હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેટ એરવેઝ (Jet Airways) પર હવે કાયમ માટે તાળા લાગવાનું સામે આવ્યું છે. આજે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે જેટ એરવેઝની લિક્વિડેશન (સંપત્તિ વેચવાની પ્રક્રિયા)નો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) ના નિર્ણયને પણ રદ કરી દીધો, જેમા મંજૂર રિઝોલ્યુશન પ્લાન હેઠળ જેટ એરવેઝની માલિકી જાલાન-કાલરોક કન્સોર્શિયમ (JKC) ને સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી હતી.
દેશમાં ફરીથી ઓપરેટ નહીં થાય જેટ એરવેઝ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે લિક્વિડેશન જેટ એરવેઝના ધિરાણકર્તાઓ અને તેના કર્મચારીઓના શ્રેષ્ઠ હિતમાં રહેશે કારણ કે જાલાન-કાલરોક કન્સોર્શિયમ (JKC) તેની મંજૂરીના 5 વર્ષ પછી પણ રિઝોલ્યુશન પ્લાનનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી સુપ્રીમ કોર્ટની બેંચે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) મુંબઈને લિક્વિડેટરની નિમણૂક માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ધિરાણકર્તાઓને રૂ. 150 કરોડની પરફોર્મન્સ બેન્ક ગેરંટી (PBG) રોકડ કરવાની પણ મંજૂરી આપી છે.
SC એ શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ જાન્યુઆરી 2023ના કોર્ટના આદેશની અવગણના કરી છે. NCLAT એ જેટ એરવેઝના રિઝોલ્યુશન અરજદાર જાલાન-કાલરોક કન્સોર્શિયમ પાસેથી રૂ. 350 કરોડની ઇન્ફ્યુઝન જરૂરિયાતમાં રૂ. 150 કરોડની પરફોર્મન્સ બેન્ક ગેરંટી (PBG) ના સમાયોજનને મંજૂરી આપી હતી.
જેટ એરવેઝ 2019 થી ગ્રાઉન્ડ છે
નરેશ ગોયલની આગેવાની હેઠળની જેટ એરવેઝ એક સમયે દેશની પ્રીમિયર એરલાઇન હતી. જેટ એરવેઝ 2019 થી ગ્રાઉન્ડેડ છે અને તેની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત છે. ત્યારબાદ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ જેટ એરવેઝના માલિકી હકો યુકે સ્થિત કાલરોક કેપિટલ અને યુએઈ સ્થિત ઉદ્યોગસાહસિક મુરારી લાલ જાલાનના કન્સોર્શિયમને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: આ અદ્યતન વિમાનથી માત્ર 1 કલાકની અંદર લંડનથી ન્યૂયોર્ક પહોંચી શકાશે