દેશનું એક શાપિત ગામ જ્યાં વર્ષોથી લોકોએ દિવાળીની ઉજવણી કરી નથી
- હિમાચલનું એ શાપિત ગામ જ્યાં કોઈ નથી ઉજવતું દિવાળી
- દિવાળીના તહેવાર સમયે લોકો ઘરોમાં કેદ રહે છે
- શ્રાપમાંથી મુક્તિનો કર્યો ઘણો પ્રયાસ પણ ન થયો કોઇ ફાયદો
Diwali : દેશભરમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવારની તૈયારીઓમાં લોકો વ્યસ્ત છે. ભારતનો ખૂણે ખૂણો દિવાળીમાં રોશનીથી ઝળહળી ઉઠે છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનું એક ગામ છે જ્યા કોઇ દિવાળીના તહેવારની ઉજવણી કરતા નથી. જીહા, અમે અહીં વાત કરી રહ્યા છીએ હિમાચલ પ્રદેશના હમીરપુરમાં આવેલા સંમુ ગામની. જ્યા ન તો કોઇ દિવાળીનો તહેવાર ઉજવે છે અને ન તો દિવાળીની કોઇ તૈયારીઓ કરે છે. શું છે કારણ આવો જાણીએ આ આર્ટિકલમાં...
તહેવારમાં માતમ જેવો માહોલ
અંધારા પર પ્રકાશના પર્વની ઉજવણીમાં આજે સમગ્ર દેશ વ્યસ્ત છે, પણ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સંમુ ગામમાં સ્થિતિ પૂરી રીતે વિપરિત છે. અહીં દિવાળીની ઉજવણી તો બહુ દૂરની વાત છે અહીં લોકો ઘરે વાનગીઓ પણ બનાવતા નથી. તમે વિચારતા હશો કે આવું કેમ. જણાવી દઇએ કે, અહીં લોકો માને છે કે ગામ પર શ્રાપ છે, તેથી અહીં દિવાળીનો તહેવાર કોઇ ઉજવવાનું વિચારતું પણ નથી. કહેવાય છે કે, જો કોઇ આ તહેવારને ઉજવે છે તો કોઇ દુર્ઘટના થાય છે અથવા અકાળે મૃત્યુ થાય છે. વળી એવું પણ કહેવાય છે કે, જ્યારે દિવાળીનો તહેવાર નજીક હોય છે ત્યારે ગામમાં માતમ જેવો માહોલ જોવા મળતો હોય છે.
શ્રાપમાંથી મુક્તિનો પ્રયાસ
આ વર્ષે પણ હમીરપુર જિલ્લાના મુખ્ય મથકથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા સંમુ ગામમાં દિવાળીને લઈને કોઈ ઉત્તેજના જોવા મળી રહી નથી. દિવાળીના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે, પરંતુ જો કોઈ પરિવાર આકસ્મિક રીતે ફટાકડા ફોડે અને ઘરમાં ભોજન પણ રાંધે તો ગામમાં આફત અવશ્ય આવે છે. જોકે, એવું પણ નથી કે લોકોએ આ શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કર્યો નથી. ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તમામ પ્રયાસો અસફળ સાબિત થયા છે.
વર્ષોથી દિવાળી ઉજવવામાં આવી નથી
ગામના એક શખ્સને જ્યારે આ વિશે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, ગામમાં સેંકડો વર્ષોથી દિવાળી ઉજવવામાં આવી નથી. દિવાળી મનાવવાનો કોઈ પ્રયાસ કરે તો ગામમાં કોઈનું મૃત્યુ થાય કે કોઈ દુર્ઘટના સર્જાય છે. જ્યારે દેશના તમામ ખૂણે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાતો હોય છે ત્યારે આ ગામમાં કોઇના પણ ઘરમાં ખુશીનો માહોલ જોવા મળતો નથી. ગામને આ શ્રાપમાંથી મુક્ત કરવા માટે અનેકવાર હવન-યજ્ઞનો પણ આશરો લેવામાં આવ્યો, પરંતુ બધું નિષ્ફળ ગયું છે.
કેવી રીતે લાગ્યો શ્રાપ?
ઉલ્લેખનીય છે કે દિવાળીના દિવસે જ આ જ ગામની એક મહિલાએ તેના પતિ સાથે સતી કરી હતી. આ મહિલા દિવાળી મનાવવા તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. તેનો પતિ રાજાના દરબારમાં સૈનિક હતો. પરંતુ મહિલા ગામથી થોડે દૂર પહોંચી કે તરત જ તેને ખબર પડી કે તેના પતિનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારે તે મહિલા ગર્ભવતી હતી. એવું કહેવાય છે કે મહિલા આ આઘાત સહન ન કરી શકી અને તેના પતિ સાથે સતી થઈ જતી વખતે તેણે આખા ગામને શ્રાપ આપ્યો કે આ ગામના લોકો ક્યારેય દિવાળીનો તહેવાર ઉજવી શકશે નહીં. તે દિવસથી આજદિન સુધી આ ગામમાં કોઈએ દિવાળી ઉજવી નથી. લોકો સતીની મૂર્તિની જ પૂજા કરે છે.
આ પણ વાંચો: દિલ્હીમાં શિયાળો શરૂ થતાં જ પ્રદૂષણ! લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી