લદ્દાખના કારગિલમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ-કાશ્મીરમાં પણ અનુભવાયા આંચકા
- લદ્દાખમાં ભૂકંપના જોરદાર આંચકા
- જમ્મુ-કાશ્મીર સુધી 5.2 ની તીવ્રતા સાથે ધરા ધ્રુજી ઉઠી
- જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા
- ભૂકંપ બાદ જમ્મુ અને શ્રીનગરના ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ અનુભવની વાત શેર કરી
Earthquake : શુક્રવારે હોળીના તહેવારની વહેલી સવારે લદ્દાખના કારગિલ વિસ્તારમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેની પુષ્ટિ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા કરવામાં આવી છે. ભારતીય સમય અનુસાર રાત્રે 2:50 વાગ્યાની આસપાસ આ ભૂકંપના આંચકા અનુભવાયા, જેની ઊંડાઈ 15 કિલોમીટર નોંધાઈ હતી. આ ઘટનાની અસર માત્ર કારગિલ સુધી સીમિત ન રહી, પરંતુ જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના હળવા આંચકા જોવા મળ્યા. ભૂકંપ બાદ જમ્મુ અને શ્રીનગરના ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ અનુભવની વાત શેર કરી હતી.
લદ્દાખ અને લેહ બંને ભૂકંપની દૃષ્ટિએ ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રો
લદ્દાખ અને લેહ બંને ભારતના સિસ્મિક ઝોન-IVમાં આવે છે, જે ભૂકંપની દૃષ્ટિએ ઉચ્ચ જોખમવાળા ક્ષેત્રોમાં ગણાય છે. હિમાલયની પર્વતમાળામાં સ્થિત હોવાથી આ વિસ્તાર ભૂકંપીય ગતિવિધિઓ માટે અત્યંત સંવેદનશીલ છે, અને અહીં વારંવાર આવા આંચકા અનુભવાતા રહે છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ભારતને ચાર સિસ્મિક ઝોનમાં વહેંચવામાં આવ્યું છે - ઝોન V, IV, III અને II. આમાં ઝોન V સૌથી વધુ ભૂકંપ પ્રવૃત્તિ ધરાવતો વિસ્તાર છે, જ્યારે ઝોન IIમાં ભૂકંપની શક્યતા સૌથી ઓછી માનવામાં આવે છે. આ વૈજ્ઞાનિક માહિતીના આધારે ભૂકંપગ્રસ્ત વિસ્તારો નક્કી કરાયા છે.
ગત મહિને પણ આસામના મોરીગાંવ જિલ્લામાં અનુભવાયાો હતો ભૂકંપનો આંચકો
ઉલ્લેખનીય છે કે, ગત મહિને 27 ફેબ્રુઆરીના રોજ આસામના મોરીગાંવ જિલ્લામાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેના કારણે ગુવાહાટી સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ આંચકા અનુભવાયા હતા. આ ઘટનાઓ દેશના વિવિધ હિસ્સાઓમાં ભૂકંપીય સંવેદનશીલતાને રેખાંકિત કરે છે.
આ પણ વાંચો : Earthquake : નેપાળ-તિબેટની સીમા પર આવ્યો ભયાનક ભૂકંપ, તીવ્રતા 7.1 નોંધાઈ