'અમારી બાબતોમાં ટિપ્પણી ન કરો, તમારો દેશ સંભાળો', વકફ કાયદા પર બોલ્યુ પાકિસ્તાન તો ભારતે યાદ અપાવી તેમની સ્થિતિ
- પાકિસ્તાને વક્ફ સુધારા કાયદા પર વાંધો ઉઠાવ્યો
- પાકિસ્તાને પોતાના નબળા રેકોર્ડ પર ધ્યાન આપવું જોઈએ-ભારત
- વિપક્ષે પણ વકફ કાયદાનો વિરોધ કર્યો
Waqf Amendment Act: ભારતે મંગળવારે (15 એપ્રિલ, 2025) વક્ફ સુધારા અધિનિયમ, 2025 પર પાકિસ્તાનની ટિપ્પણીઓની ટીકા કરી અને કહ્યું કે લઘુમતીઓના રક્ષણની વાત આવે ત્યારે પડોશી દેશે પોતાના નબળા રેકોર્ડ પર નજર નાખવી જોઈએ.
શું કહ્યું વિદેશ મંત્રાલયે ?
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતની સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા કાયદા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી પ્રેરિત અને પાયાવિહોણી ટિપ્પણીઓને અમે સખત રીતે નકારી કાઢીએ છીએ. પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. બીજાઓને ભાષણ આપવાને બદલે, પાકિસ્તાને લઘુમતીઓના અધિકારોના રક્ષણમાં પોતાના નબળા રેકોર્ડ પર ધ્યાન આપવું જોઈએ." ગયા અઠવાડિયે, વકફ સુધારા કાયદા પર ટિપ્પણી કરતા, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને ભારત દ્વારા વકફ કાયદામાં કરવામાં આવેલા ફેરફારોની નિંદા કરી હતી અને તેને ભારતીય મુસ્લિમોના ધાર્મિક અને આર્થિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
પાકિસ્તાને શું કહ્યું?
તેમની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં શફકત અલી ખાને કહ્યું, "આ ભેદભાવપૂર્ણ કાયદો પસાર થવાથી ભારતમાં વધતા બહુમતીવાદનું પ્રતિબિંબ પડે છે. એવો ગંભીર ભય છે કે આનાથી ભારતીય મુસ્લિમો વધુ હાંસિયામાં ધકેલાઈ જશે."
આ પણ વાંચો : CNG Auto, EV Policy લઈ આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય
વિપક્ષે પણ વકફ કાયદાનો વિરોધ કર્યો
લોકસભા અને રાજ્યસભામાં ઘણા દિવસોની ગરમાગરમ ચર્ચા પછી વકફ બિલ સરળતાથી પસાર થઈ ગયું અને 5 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ. સરકારે કહ્યું છે કે આ કાયદો મિલકત અને વ્યવસ્થાપન વિશે છે, ધર્મ વિશે નહીં, અને દલીલ કરી છે કે વકફના નામે મોટી માત્રામાં જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું છે. વિપક્ષે તેનો વિરોધ કર્યો.
વિપક્ષે આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની સરકાર બંધારણને નબળું પાડવા, લઘુમતીઓને બદનામ કરવા અને તેમના અધિકારોથી વંચિત રાખવા તેમજ સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : ED: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી, ગાંધી પરિવારની મુશ્કેલીઓ વધી