Constitution Day 2024 : આજે બંધારણ દિવસની કરાશે ઉજવણી, જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમ
- આજે બંધારણ દિવસની કરાશે ઉજવણી
- જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમ
- રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદી રહેશે હાજર
- રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધશે
- કાર્યક્રમનું નામ 'આપણું બંધારણ, આપણું સ્વાભિમાન'
- 11 કલાકે રાષ્ટ્રપતિના આગમન બાદ કાર્યક્રમ થશે શરૂ
- બંધારણની યાત્રા પર ફિલ્મ બતાવવામાં આવશે
- ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંબોધન કરશે
- લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ કરશે સંબોધન
Constitution Day 2024 : આજે બંધારણ દિવસ છે. દર વર્ષે આજની તારીખ એટલે કે 26 નવેમ્બરે આ ખાસ દિવસને ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતના બંધારણને અપનાવવાની યાદમાં ઉજવણી કરવામાં આવે છે. 26 નવેમ્બર, 1949ના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું. ત્યારે 26 જાન્યુઆરી, 1950થી બંધારણ અમલમાં આવ્યું હતું.
ખાસ હશે બંધારણ દિવસની ઉજવણી
આ વર્ષની બંધારણ દિવસની ઉજવણી ખાસ છે કારણ કે તે ભારતના બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠને ચિહ્નિત કરે છે. લોકસભા સચિવાલયે જણાવ્યું છે કે 26 નવેમ્બર 1949ના દિવસે ભારતે બંધારણ સ્વીકાર્યું હતું, જે દેશમાં લોકશાહી અને ન્યાયના પ્રતિકરૂપ રૂપે કાર્યરત છે. આ પ્રસંગે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેમાંથી એક મુખ્ય આકર્ષણ રાષ્ટ્રપતિનું સંબોધન રહેશે. આજના આ ખાસ દિવસ પર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં યોજાશે. રાષ્ટ્રપતિ ઉપરાંત, ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ જારી કરવામાં આવશે.
બંધારણની યાત્રા પર ફિલ્મ બતાવવામાં આવશે
આ સાથે, આ પ્રસંગે ‘Making of the Constitution of India: A Glimpse’ અને ‘Making of the Constitution of India and its glorious journey’ નામની બે પુસ્તકોનું વિમોચન પણ થવાનું છે. ઉપરાંત, ભારતીય બંધારણના સંસ્કૃત અને મૈથિલી ભાષાના અનુવાદનું પણ વિમોચન કરવામાં આવશે, જે આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણો છે. બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે ભારતીય બંધારણના ઐતિહાસિક યાત્રાની ઝલક દર્શાવતી ટૂંકી ફિલ્મ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે ભારતના બંધારણની કળાને રજૂ કરતી વિશેષ પુસ્તિકા પણ રજૂ થશે.
સંસદના શિયાળુ સત્ર સાથે જોડાયેલો કાર્યક્રમ
સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરે શરૂ થયું છે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. સત્રના બીજા દિવસે 26 નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી માટે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે.
આ પણ વાંચો: નવા સાંસદોને તક આપો, નવા વિચારોને આવકારો : PM Modi ની અપીલ