અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરની એરપોર્ટ પરથી કરાઇ અટકાયત, કહ્યું હતું- હું અમૃતપાલને નહીં છોડું
ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીની અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર લંડન જઈ રહી હતી. પરંતુ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી. જોકે અત્યારે અમૃતપાલ સિંહની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કિરણદીપ સવારે 11.30 વાગ્યે અમૃતસર એરપોર્ટ પહોંચી હતી. તે બપોરે 1.30 વાગ્યાની ફ્લાઈટમાં લંડન જવા રવાના થવાની હતી. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર છે. તેમની સામે NSA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તેના સેંકડો સાથીદારો અને સમર્થકોની ધરપકડ કરી હતી. જોકે અમૃતપાલ તેના કેટલાક નજીકના લોકો સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી છે. એટલું જ નહીં પોલીસ તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે.
10 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા, કહ્યું હતું- હું અમૃતપાલને નહીં છોડું
અમૃતપાલ દુબઈથી પંજાબ પાછો ફર્યો અને તેણે કિરણદીપ કૌર સાથે આ વર્ષે 10 ફેબ્રુઆરીએ તેના મૂળ ગામ જલ્લુપુર ખેડામાં લગ્ન કર્યા. આ વિધિ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી. કિરણદીપ કૌર યુકેની નાગરિક છે. તે મૂળ જલંધરના કુલરણ ગામની છે. થોડા સમય પહેલાં તેનો પરિવાર ઈંગ્લેન્ડમાં સ્થાયી થઈ હતી.
કોણ છે અમૃતપાલ સિંહ ?
અમૃતપાલ 'વારિસ પંજાબ દે' સંસ્થાનો ચીફ છે. તે અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યો છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત આવ્યો છે. વારિસ પંજાબ દે સંગઠન પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા બનાવવામાં આવ્યું હતું. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે તેને કબજે કરી લીધો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલની આઈએસઆઈ લિંક જણાવવામાં આવી રહી છે.