Air India Express ની ફ્લાઇટમાં લાગી ભીષણ આગ, ફ્લાઇટમાં 179 યાત્રીઓ અને 6 ક્રૂ મેમ્બર હતા
Air India Express Emergency Landing : એર ઈન્ડિયા એક્સપ્રેસની ( Air India Express ) વધુ એક ફ્લાઇટના ઈમરજન્સી લેન્ડિંગની વધુ ઘટના હવે સામે આવી રહી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની આ ફ્લાઈટને બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ વિમાને બેંગલુરુ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી ત્યારે એન્જિનમાં આગ લાગી હતી જેના કારણે તેને તાત્કાલિક લેન્ડ કરાવવાની ફરજ પડી હતી. ફ્લાઈટના એંજિનમાં અચાનક જ આગ લાગી જતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.આ દરમિયાન મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને પ્લેનમાંથી ઉતારીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
ફ્લાઇટમાં 179 યાત્રીઓ અને 6 ક્રૂ મેમ્બર હતા બધા સુરક્ષિત
મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયા એક્સપ્રેસની ( Air India Express ) ફ્લાઇટમાં 179 યાત્રીઓ અને 6 ક્રૂ મેમ્બર હતા, જેઓ સુરક્ષિત છે. આ ફ્લાઈટ IX 1132 એ બેંગલુરુ એરપોર્ટથી કોચી જવા માટે ઉડાન ભરી હતી.આ અકસ્માત રાત્રે 11.15 વાગ્યાની આસપાસ થયો હતો.ફ્લાઈટ ટેકઓફ થતાં જ પ્લેનના એન્જિનમાં આગ લાગી ગઈ હતી.આગ પ્લેનના એન્જિનની જમણી બાજુએ શરૂ થઈ હતી.
મોટી દુર્ઘટના થતાં ટળી
જ્યારે ઘટનાની સમયસર જાણ થઈ ત્યારે પાઈલટ તરત જ એક્શન મોડમાં આવ્યો હતો. આ ઘટના બાદ તેણે તરત જ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી. જેના બાદ તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને એરપોર્ટ સ્ટાફ લેન્ડિંગ પહેલા રનવે પર પહોંચી ગયો હતો. લેન્ડિંગ થતાંની સાથે જ ફાયર બ્રિગેડે આગ ઓલવવાનું શરૂ કર્યું હતું.આમ એક મોટી દુર્ઘટના થતાં બચી હતી.
અકસ્માતની ઝીણવટભરી તપાસના આદેશ અપાયા
પ્લેનમાં આગ લાગી છે તેની જાણ થયા બાદ સ્ટાફના જવાનોએ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને પોતાના નિયંત્રણમાં લીધા હતા.પ્લેનમાં બેઠલા બધા વ્યક્તિઓની એમ્બ્યુલન્સમાં તપાસ પણ કરવામાં આવી હતી.અહી નોંધનીય છે કે, એન્જિનમાં અચાનક આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ હાલ અકસ્માતની ઝીણવટભરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.