જમ્મુ-કાશ્મીરમાં આ સંગઠન પર ગૃહમંત્રી અમિત શાહની મોટી કાર્યવાહી, UAPA હેઠળ લગાવ્યો પ્રતિબંધ
જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ જૂથ) ને ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ઘોષણા દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ (પહેલા ટ્વિટર) પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી છે. સાથે જ તેમણે આ સંગઠનને લઈને કહ્યું કે, આ આંતકવાદી ગતિવિધિઓનું સમર્થન કરે છે અને લોકોને ઉશ્કેરે છે.
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર (મસરત આલમ જૂથ) / MLJK-MA ને UAPA હેઠળ એક 'ગેરકાયદેસર સંગઠન' ઘોષિત કરવામાં આવ્યું છે. આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અલગાવવાદી ગતિવિધિઓમાં સામેલ છે, સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામી શાસન સ્થાપિત કરવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓનું સમર્થન કરે છે અને લોકોની ઉશ્કેરણી કરે છે. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, પીએમ મોદી (PM Modi) સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે રાષ્ટ્રના વિરુદ્ધ કામ કરનારી કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
મસરત આલમ વિશે જાણો
જણાવી દઈએ કે, મસરત આલમ ભટ્ટ છેલ્લાં 4 વર્ષથી દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. કાશ્મીરી કટ્ટરપંથી અલગાવવાદી જૂથ ઑલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મસરત આલમ વિરુદ્ધ NIA એ આતંકી ફંડિંગને લઈને કેસ નોંધ્યો છે. સાથે જ વર્ષ 2008 અને 2010માં કાશ્મીર ઘાટીમાં કથિત ભૂમિકાને લઈ તેની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, આલમ વિરુદ્ધ લગભગ 27 મામલા નોંધાયેલા છે.
આ પણ વાંચો - Telangana: તેલંગાણામાં કોંગ્રેસ સરકાર દ્વારા વાહનો માટે અનોખી સ્કીમ બહાર પાડી