ખીચડીના કારણે 10 મહિલાઓ Hospitalised! જાણો શું છે ઘટના
- વૃંદાવન: ગૌરી ગોપાલ આશ્રમ બહાર પ્રસાદ વિતરણમાં દુર્ઘટના
- વૃંદાવનના આશ્રમમાં ખીચડી પલટી, 10 મહિલાઓ ઘાયલ
- પ્રસાદ વિતરણ દરમિયાન ભયાનક દુર્ઘટના: 10 મહિલાઓ ઘાયલ
- કર્મચારીનો પગ લપસી ગયો, ખીચડી પલટ અને 10 મહિલાઓ ઘાયલ
Khichdi : વૃંદાવનના કથાકાર અનિરુદ્ધાચાર્યના આશ્રમ બહાર પ્રસાદ વિતરણ દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં ગરમ ખીચડીના વાસણ પલટી જવાથી કુલ 10 મહિલાઓ ઘાયલ થઈ છે, જેઓ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી બે મહિલાઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને આગરાની વિશેષ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીંના એક કર્મચારીનો પગ લપસી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.
કર્મચારીના પગ લપસવાથી સર્જાયો અકસ્માત
પોલીસના જણાવ્યા મુજબ, પ્રસાદ વિતરણ વખતે ખીચડી વહેંચવા જતાં એક કર્મચારીનો પગ લપસી ગયો હતો, જેના કારણે ગરમ ખીચડી ભરેલું વાસણ મહિલા ભક્તો પર પલટી ગયું હતું. આ ઘટના આસપાસના શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક બની હતી. સમગ્ર ઘટનામાં 10 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે, જેઓ આશ્રમની બહાર બેઠેલી હતી. ગૌરી ગોપાલ આશ્રમના ડાયરેક્ટર અનિરુદ્ધાચાર્યએ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, રોજની જેમ આજે પણ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ દુર્ભાગ્યવશ કર્મચારી લપસી જતા આ ઘટના બની.
ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ
આ દુર્ઘટનાના પગલે થોડા સમય માટે ઘટનાસ્થળે અરાજકતાનું વાતાવરણ ફેલાયું હતું. ભક્તો ઘટનાના કારણે ડરી ગયા હતા. ઘાયલ મહિલાઓને તાત્કાલિક આશ્રમની એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે તુરંત સ્થળ પર પહોંચી જઇ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાની CCTV ફૂટેજ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેથી સમગ્ર ઘટના કેમ બની તેનું સચોટ કારણ જાણી શકાય.
આ પણ વાંચો: Uttarpradesh પોલીસનો પર્દાફાશ,વિધર્મી યુવકો હિંદુ સાધુનો વેશ ધારણ કરી માંગતા ભીખ