લોકસભા ચૂંટણીના પરિણામોની ટીકા કરતા આ શું બોલી ગયા પાકિસ્તાની નેતા...
Fawad Chaudhry : દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Election) નું પરિણામ આવી ગયું છે જેમા કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. 10 વર્ષ સત્તા પર રહેલી ભાજપ (BJP) પણ બહુમતીના આંકડાથી દૂર રહી હતી. ભાજપે 240 બેઠકો જીતી છે. પાર્ટીએ યુપીની ફૈઝાબાદ લોકસભા સીટ (Faizabad Lok Sabha Seat) પણ ગુમાવી છે. અયોધ્યા આ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે, જ્યાં જાન્યુઆરી મહિનામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. ફૈઝાબાદમાં ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહની હાર પર પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ પણ પ્રતિક્રિયા આપી છે. ભારતની લોકસભા ચૂંટણીના પરિણામોની ટીકા કરતા ફવાદ ચૌધરીએ કહ્યું છે કે PM મોદીએ જનતાના નિર્ણયને સ્વીકારીને રાજકારણમાંથી સંન્યાસ લઈ લેવો જોઈએ.
ફવાદ ચૌધરીની પોસ્ટ વાયરલ
ચૌધરી ફવાદ હુસૈન (Chaudhary Fawad Hussain), જેઓ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (former Pakistan Prime Minister Imran Khan) ની નજીકના નેતાઓમાં સામેલ હતા અને મંત્રી હતા, તેમણે એક પછી એક અનેક પોસ્ટ કરી. ફવાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (Social Media Platform) X પર લખ્યું કે, મોદીજી તો અયોધ્યાને રામજીની ધરતી કહેતા હતા તો પછી આ રીતે રામજીની જનતાનો નિર્ણય અપનાવવો જોઇએ અને રાજનીતિને ગુડબાય કહેવુ જોઇએ. મંત્રીએ આ પોસ્ટ માત્ર હિન્દીમાં લખી છે. ફવાદ ચૌધરીની આ પોસ્ટ બાદ પાકિસ્તાન સહિત અન્ય લોકોએ તેમના પર નિશાન સાધ્યું છે. એક યુઝરે લખ્યું છે કે તમારે રાવણના સૂચનને સ્વીકારી લેવું જોઈએ અને રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેવો જોઈએ, જ્યારે બીજા યુઝરે કહ્યું છે કે આ ભારતનો આંતરિક મામલો છે, તમે તેના વિશે કેમ બોલી રહ્યા છો. વળી, અન્ય એક પોસ્ટમાં, ફવાદ ચૌધરીએ કહ્યું કે ભારતની ચૂંટણીઓ પર મારી દરેક આગાહી લગભગ સાચી સાબિત થઈ છે, તેથી હું કહેવાની હિંમત કરું છું કે મોદી ચોક્કસપણે વડા પ્રધાન બનશે, પરંતુ તેમની સરકારનો કાર્યકાળ પૂરો થવાની સંભાવના લગભગ શૂન્ય છે, જો INDIA ગઠબંધન સારી રીતે રણનીતિ બનાવશે તો ભારતમાં મધ્યસત્ર ચૂંટણી થશે.
NDA અને INDIA ને કેટલી બેઠકો મળી?
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 293 બેઠકો મળી છે, જ્યારે INDIA ગઠબંધનને 233 બેઠકો મળી છે. 17 બેઠકો અન્યને ગઈ છે. જ્યારે NDAમાં ભાજપને 240, TDPને 16, JDUને 12, શિવસેનાને 7, ચિરાગ પાસવાનની પાર્ટીને 5, JDSને 2 બેઠકો મળી છે. INDIA ગઠબંધનની વાત કરીએ તો કોંગ્રેસે છેલ્લા 10 વર્ષમાં સૌથી મજબૂત પ્રદર્શન આપ્યું છે અને 99 સીટો જીતી છે. વળી, સમાજવાદી પાર્ટીએ યુપીમાં 37 સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને 29, DMKને 22, શિવસેના UBTને 9, NCP શરદ પવારને 8, CPIMને 4, RJDને 4 બેઠકો મળી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ લોકસભા ચૂંટણીમાં 3 બેઠકો કબજે કરી છે.
આ પણ વાંચો - મોદી હારે તો સારું…જાણો કેમ ભારતના PM ની હાર ઇચ્છે છે પાકિસ્તાન
આ પણ વાંચો - ફરી ભડક્યા ટ્રમ્પ, ધમકીના સ્વરમાં કહ્યું – મારી ધરપકડ થશે તો અમેરિકા સળગશે