Sabarkantha seat : મામલો હવે BJP હાઇકમાન્ડના દરબારમાં
Sabarkantha seat : સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે થઇ રહેલા ઉગ્ર વિરોધ વંટોળ બાદ મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દરબારમાં પહોંચ્યો હતો. મુખ્યમંત્રીએ સાબરકાંઠા (Sabarkantha seat) અને અરવલ્લી જિલ્લાના ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારોને બોલાવ્યા હતા અને સાડા ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી. બેઠક બાદ હવે શું નિર્ણય લેવાશે તેની પર સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.
ભાજપના કાર્યકરોમાં ઉગ્ર રોષ ફેલાયો
લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અગાઉ ભાજપે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી પણ ત્યારબાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી હતી. જો કે ત્યારબાદ ભીખાજી ઠાકોરના સમર્થકો સહિત ભાજપના કાર્યકરોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો અને જિલ્લાના કમલમ ખાતે કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. શોભના બારૈયાના પતિ મહેન્દ્રસિંહ બારૈયા 1 વર્ષ પૂર્વે જ ભાજપમાં જોડાયા હોવાથી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તાબડતોબ હિંમતનગર પહોંચ્યા
કાર્યકરોનો રોષ જોતાં શુક્રવારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તાબડતોબ હિંમતનગર પહોંચ્યા હતા અને જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને તેમણે બંધ બારણે બેઠક કરી હતી અને ત્યારબાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા.
વિવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દરબારમાં પહોંચ્યો
જો કે ત્યારબાદ સમગ્ર વિવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દરબારમાં પહોંચ્યો હતો. મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના સંગઠનના તમામ હોદ્દેદારોને બોલાવાયા હતા. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી તથા ગૃહ મંત્રીએ એક-એક વ્યક્તિને અલગ અલગ બોલાવી સાંભળ્યા હતા.
સાબરકાંઠા મામલે ડેમેજ કંટ્રોલની સૌથી મોટી કવાયત
મુખ્યમંત્રી નિવાસસ્થાને સાડા ત્રણ કલાક બેઠક ચાલી હતી. દરેક હોદ્દેદાર સાથે વન ટૂ વન બોલાવીને ચર્ચા કરી હતી. લોકસભા ઉમેદવારના વિરોધ અને વિવાદ અંગે માહિતી મેળવાઇ હતી. સાબરકાંઠા મામલે ડેમેજ કંટ્રોલની સૌથી મોટી કવાયત માનવામાં આવે છે.
પડદા પાછળની ભૂમિકા ભજવનાર સંગઠનના લોકો અંગે પણ જાણકારી
આ બેઠકમાં ડેમેજ કન્ટ્રોલ સાથે સાથે વિરોધ પાછળ પડદા પાછળની ભૂમિકા ભજવનાર સંગઠનના લોકો અંગે પણ જાણકારી મેળવાઇ હતી. જો કે તમામ હોદ્દેદારોને સૂચના અપાઇ હતી કે મીડિયામાં અને જાહેરમાં કંઇ બોલવું નહીં. આ મામલે પક્ષ પોતાનો નિર્ણય કરશે.
આ પણ વાંચો------- Lok Sabha Election 2024: કોંગ્રેસમાં ભંગાણ યથાવત, વધુ એક નેતાએ ધારણ કર્યો કેસરિયો