Dates in Summer: ઉનાળામાં ખજૂરનું સેવન યોગ્ય કે પછી.....નોતરી શકે છે સમસ્યા ??? જાણો વિશેષજ્ઞોનો મત
- ઉનાળામાં ખજૂરનું નિયત માત્રામાં અને યોગ્ય રીતે સવન ફાયદાકારક
- ખજૂરને દૂધ સાથે લેવાથી શરીરને જરૂરી તમામ પોષક દ્રવ્યો મળી રહે છે
- વહેલી સવારે ખજૂરના સેવનથી શરીરને જરૂરી ઊર્જા મળી રહે છે
Ahmedabad: ખજૂર વિટામીન, ખનિજ અને ફાઈબરથી સમૃદ્ધ ફળ છે. આ ફળને લીધે શરીરને જરૂરી ઊર્જાનો પુરવઠો મળી રહે છે. ખજૂરનું સેવન શિયાળામાં સામાન્ય રીતે કરવાનું વધુ પ્રચલિત છે. જો કે ખજૂરને વર્ષના 365 દિવસ ખાનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. ખજૂર વિશે હંમેશા એક પ્રશ્ન લોકોને સતાવે છે કે ખજૂરનું સેવન ઉનાળામાં યોગ્ય છે કે કેમ... અને જો યોગ્ય હોય તો કેટલી માત્રામાં ખજૂરનું સેવન કરી શકાય.
ખજૂરને લગતા પ્રચલિત પ્રશ્નો
શિયાળામાં ખજૂર ખાવામાં કોઈ વાંધો નથી, પરંતુ ઉનાળામાં ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને થોડા દિવસોમાં ઈદની ઉજવણી થશે, તો શું ઉપવાસ દરમિયાન ખજૂર ખાવા ફાયદાકારક છે? ઉનાળામાં ખજૂર ખાઈ શકાય? ખજૂર ખાવાની સાચી રીત કઈ છે?
ઉનાળામાં ખજૂરનું નિયત માત્રમાં સેવન લાભદાયી
નિષ્ણાતોના મતે ઉનાળામાં ખજૂર ખાવાથી શરીરના તાપમાનમાં વધારો થઈ શકે છે. તેથી ઉનાળામાં ખજૂરનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ, પરંતુ જે લોકોને સંધિવાની સમસ્યા હોય તેઓ ઉનાળા દરમિયાન નિયત માત્રામાં ખજૂર ખાઈ શકે છે. જો કે ખજૂરનું સેવન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે, ખજૂર ખાધાના 40 મિનિટ પછી પુષ્કળ પાણી પીવું જોઈએ. ઉનાળામાં, દૂધમાં પલાળેલી ખજૂર ખાવાથી શરદી અને ખાંસીની અસરો ઓછી થઈ શકે છે. ગરમ દૂધ અને ખજૂર બંનેમાં જોવા મળતા પોષક તત્વો તમારા આરોગ્ય માટે વરદાન સ્વરૂપ છે.
આ પણ વાંચોઃ Roasted chickpeas : જો તમે દરરોજ શેકેલા ચણા ખાઓ તો શું થાય છે?
ખજૂરનું સેવન દૂધ સાથે કરવું ઉત્તમ
ખજૂર અને દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને તે હાડકાંને મજબૂત બનાવે છે. જો તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા માંગતા હો, તો આ મિશ્રણ ચોક્કસ અજમાવો. ગરમ દૂધ અને ખજૂર મગજની તંદુરસ્તી પણ સુદ્દઢ કરે છે. ખજૂર એક કુદરતી મીઠી વાનગી છે. આવી સ્થિતિમાં, ખજૂર બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીને ખજૂરના સેવનને ટાળવાની સલાહ આપવામાં આવે છે.
વહેલી સવારે ખજૂર ખાવાના ફાયદા
નિષ્ણાતોનું માનવું છે કે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે ખજૂર ઉપયોગી છે, કારણ કે તે તેમના શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. સવારે 2-3 ખજૂર ખાવાથી પણ ખૂબ ફાયદો થાય છે કારણ કે તે આખા દિવસ માટે ઉર્જા પૂરી પાડે છે અને પેટ પણ સાફ રાખે છે. ખજૂરને સવારના નાસ્તામાં બદામ સાથે ભેળવીને પણ ખાઈ શકાય છે.
આ પણ વાંચોઃ સવારે ઉઠતા જ લવિંગનું પાણી પીવાથી બ્લડ સુગર સહિતની અનેક બિમારીઓમાં થશે રાહત