Health:નીરોગી રહેવાનો રામબાણ ઇલાજ : ખાવું, પીવું ને જલસા કરવા
Health- PM મોદીજીએ એક જમાનામાં ‘મન કી બાત’માં કહ્યું હતું કે તમે એન્ટિબાયોટ્કિસનો આડેધડ ઉપયોગ બંધ કરો. એમણે એ પણ કહ્યું દાયકાઓ પહેલાં એમણે મોટા ભાગની એલોપથી દવાઓ પણ ત્યજી દીધી છે. એ જ કારણ હશે કે અમે ક્યારેય બહુ ગંભીર કે બહુ લાંબી બીમારીઓના શિકાર નથી બનતા.
સાજાનરવા રહેવું માણસના પોતાના હાથમાં
પહેલું સુખ તે જાતે નર્યા. આપણને સુખી કરવા માટે જુઓ કેટકેટલા લોકો નીકળી પડ્યા છે. થોડીક સદીઓ પહેલાં આપણને સાજાનરવા રાખવા માટે થોડી જડીબુટ્ટીઓ, થોડાક યોગાસન ને પ્રાણાયામ પૂરતાં હતાં. હવે એટલાથી કામ નથી ચાલતું. તમે માંદા પડો એની રાહ જોઇને બેઠેલાઓ અબજો રૂપિયાનું રોકાણ કરીને બેઠા છે. હૉસ્પિટલો, ડાયગ્નોસ્ટિક સેન્ટરો, મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓ, દાક્તરી સાધનો બનાવનારી કંપનીઓ અને એમના દલાલો. તમે માંદા ન પડો એ માટે ગલીએ ગલીએ જિમ્નેશિયમ અને ખાણીપીણીની સલાહ આપનારા ન્યૂટ્રિશનિસ્ટ કે ડાયેટિશ્યન્સ ફૂટી નીકળ્યા છે.
Health-સાજાનરવા રહેવું માણસના પોતાના હાથમાં છે. કેળાં, પપૈયાં કે તરબૂચ ખાઈને એમાંથી મળતુ પોષણ મેળવવું કે એના કરતાં સોગણી મોંઘી મલ્ટિવિટામિનની ટિકડીઓ ખાવી એનો નિર્ણય આપણે કરવાનો છે, દાકતરોએ નહીં. અમુક સર્જરી અને કેટલીક ઇમરજન્સીઓને બાદ કરતાં, નવ્વાણું ટકા જેટલી સ્વાસ્થ્યને લગતી ફરિયાદો માણસ પોતે જ પોતાની રીતે દૂર કરી શકે છે.
તમને પોતાને તમે તંદુરસ્ત લાગો એટલું પૂરતું
કોણ કહેશે કે જાડા હોવું એટલે શું? ટીવી શોમાં દેખાતા જાડિયાઓ અપવાદ છે. ટીવી શોમાં દેખાતી બ્યુટી કોન્ટેસ્ટની છોકરીઓનાં ફિગર પણ અપવાદ છે. ટીવીના રિયાલિટી શોને હકીકતમાં અનરિયાલિટી શો કહેવા જોઇએ. બોડી માસ ઇન્ડેક્સ અર્થાત્ કેટલી હાઇટ હોય તો કેટલું વજન હોવું જોઇએ એનું માપ સૌને લાગુ ના પડે.
દરેક પ્રજાનું કાઠું અલગ અલગ હોય. ઇટાલિયનો બટકા અને જાડા હોય તોય ભારે એનર્જેટિક હોય અને આફ્રિકનો આપણા કરતાં દોઢા લાંબા પહોળા અને વજનદાર હોય તોય આપણા કરતાં અનેકગણા સ્ફૂર્તિવાન હોય. તમને પોતાને તમે તંદુરસ્ત લાગો એટલું પૂરતું છે. હેલ્થ ઇન્ડસ્ટ્રીનો નફો રળનારી કંપનીઓ તમને જે પટ્ટી પઢાવે તેની અવગણના કરવાની.
બ્લડપ્રેશર કેટલું હોય?
આદર્શ બ્લડપ્રેશર કેટલું હોય? તમે તરત કહેશો વન ટ્વેન્ટી અપોન એઇટી. સરસ. કોણે કહ્યું? ડૉક્ટરસાહેબે. સાહેબને કોણે કહ્યું. સાહેબ મેડિકલ કૉલેજમાં ભણી આવ્યા. મેડિકલ કૉલેજના પ્રોફેસરો આ વાત ક્યાંથી જાણી લાવ્યા? એક મશહૂર સર્વેક્ષણમાંથી. અને આ સર્વે કરાવ્યો કોણે? અમેરિકાની એક જાણીતી ઇન્શ્યોરન્સ કંપનીએ. શું સર્વે હતો? તો કહે સર્વેમાં માલુમ પડ્યું કે ઉપરનું ૧૨૦ અને નીચેનું ૮૦ આટલું બ્લડપ્રેશર બહુ જ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે છે. માટે રાખો આ જ માપદંડ જેથી વીમો કઢાવવા આવતી વ્યક્તિઓને કહી શકાય કે તમારું બ્લડ પ્રેશર નોર્મલ નથી એટલે પ્રીમિયમનો દર ઊંચો ભરવો પડશે!
આવું જ ડાયાબિટીસનું છે. વર્લ્ડ Health હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ જાહેર કર્યું કે અગાઉ તમારા શરીરમાં શુગરનું પ્રમાણ અમે કીધું હતું એના કરતાં હવે દસ પોઈન્ટનો ફરક હશે તો પણ તમે ડાયાબિટીસના દર્દી ગણાશો. લો, રાતોરાત તમારા હાથમાંનું રસગુલ્લું છિનવાઇ ગયું.આના માટે જવાબદાર કોણ? ‘WHO’ને તોતિંગ ડોનેશનો આપતી દવા કંપનીઓ.
તમે માંદા પડતા નથી. દવા કંપનીઓ તમને માંદા ગણાવે છે
આધુનિક જીવનમાં સ્ટ્રેસ, ખાણીપીણી કે જીવનપદ્ધતિથી તમે માંદા પડતા નથી. દવા કંપનીઓ તમને માંદા ગણાવે છે એટલે તમે માંદા જેવા લાગો છો.
ઓછું ખાવું, શાંતિથી ઊંઘવું અને ચાલવું- નિરામય રહેવા માટે કોઇ ડૉક્ટર તમને આટલું જ પ્રિસ્ક્રિપ્શન લખી આપે તો તમે એમને છોડીને ‘બીજા સારા’ ડૉક્ટરની શોધમાં નીકળી પડો. વાસ્તવમાં આવું પ્રિસ્ક્રિપ્શન લખનારને તમારે મોં માગી ફી આપવી જોઇએ – એમણે તમને દવાઓના ખર્ચ તથા એની સાઇડ ઇફેક્ટસના ખાડામાંથી ઉગારી લીધા.
આંકડા સૌથી મોટું જુઠ્ઠાણું
દર ત્રીજે દિવસે Health સર્વેક્ષણોના આંકડા આવે છે : ૨૦૨૫માં ગુજરાતમાં હૃદયરોગીઓનું પ્રમાણ બમણું થઇ જશે, મુંબઇમાં એઇડ્સના રોગીઓમાં ૬૫ ટકાનો વધારો, આગામી પાંચ વર્ષમાં વિશ્ર્વમાં દસ કરોડ લોકો ડાયાબિટીસને કારણે મૃત્યુ પામશે…આંકડા સૌથી મોટું જુઠ્ઠાણું કહેતા હોય છે. કેટલા લોકોમાં, કેવી રીતે અને ક્યા પ્રશ્ર્નો પૂછીને આવા સર્વે થાય છે એ વાતો ગોપિત રાખવામાં આવે છે. કોણ આવા સર્વે કરાવે છે? એની તમને ખબર પડતી નથી. દેખીતી રીતે નામ કોઇ મેડિકલ સંસ્થા કે યુનિવર્સિટીનું હોય છે, પણ સર્વેના સ્પોન્સર દવાની મલ્ટીનેશનલ કંપનીઓ હોય છે.
રોજ એક પેગ વ્હિસ્કી કે એક ગ્લાસ વાઇન પીવાથી વૃદ્ધાવસ્થામાં પણ તબિયત હાઇક્લાસ રહે છે એવા સર્વે વારંવાર તમે વાંચ્યા છે. છાશવારે દારૂના આવા સર્વેક્ષણો કોણ કરાવે? સ્વાભાવિક છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેઓ દારૂની ભઠ્ઠી ચલાવતા હોય એ પીઠાવાળા.
પરફેક્ટ કશું જ નથી હોતું આ દુનિયામાં, તમારું શરીર પણ નહીં. સામાન્ય, નાનીમોટી શારીરિક ફરિયાદો દૂર કરવાનો રામબાણ ઇલાજ છે: ખાવું, પીવું ને જલસા કરવા.
ઓછું ખાવાથી કોઇ પસ્તાયું હોય એવું બન્યું નથી.
આ પણ વાંચો- આ 3 પીણાં પીવાથી ફેટી લિવર જેવી બીમારના સકંજામાં આવી જશો, જાણો