US Elections : બાઈડેન રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર, ટ્રમ્પની શું આવી પ્રતિક્રિયા?
US Elections : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે અને માહોલ ગરમાવા લાગ્યો છે. જો બાઈડેન (Joe Biden) ના આ વર્ષના અંતમાં આવનારી રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election) ના ઉમેદવારીથી પોતાનું નામ પરત ખેંચ્યા બાદ રાજનીતિ શરૂ થઇ ગઇ છે. બાઈડેને પત્ર લખીને આની જાહેરાત કરી હતી. બાદમાં તેમણે X પર પોસ્ટ કરીને પણ આ અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, આ નિર્ણય પાર્ટી અને દેશના હિતમાં લીધો છે. જો બાઈડેનના આ નિર્ણય બાદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Former President Donald Trump) પ્રતિક્રિયા આપી હતી.
બાઈડેનની પીછેહટ અને ટ્રમ્પની પ્રતિક્રિયા
ટ્રમ્પે કહ્યું કે વર્તમાન રાષ્ટ્રપતિ "ચોક્કસપણે સેવા આપવા માટે યોગ્ય નથી." જણાવી દઈએ કે, ગયા મહિને રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ વિરુદ્ધની ચર્ચામાં ખરાબ પ્રદર્શન અને ડેમોક્રેટ્સના વધતા દબાણ પછી, બાઈડેને જાહેરાત કરી હતી કે તેઓ આગામી રાષ્ટ્રપતિ બનવાની રેસમાંથી ખસી રહ્યા છે. બાઈડેને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને નવા ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું કે, "જો બાઈડેન રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે યોગ્ય નથી અને ચોક્કસપણે સેવા આપવા માટે યોગ્ય નથી અને ક્યારેય હતા પણ નહીં." તેમણે જૂઠાણા અને ફેક ન્યૂઝ દ્વારા જ રાષ્ટ્રપતિ પદ હાંસલ કર્યું હતું. તેમના ડોકટરો અને મીડિયા સહિત તેમની આસપાસના દરેક લોકો જાણતા હતા કે તેઓ રાષ્ટ્રપતિ બનવા માટે સક્ષમ નથી, અને તેઓ નથી. જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો અમને ઘણું નુકસાન થશે, પરંતુ તેમણે જે નુકસાન કર્યું છે તે અમે ટૂંક સમયમાં સુધારીશું. અમેરિકાને ફરી મહાન બનાવીશું!”
Donald Trump
ટ્રમ્પના પુત્રએ કમલા હેરિસને નબળા ગણાવ્યા
જો બિડેને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર નીકળવાની જાહેરાત કર્યા પછી સીએનએન સાથે વાત કરતા ટ્રમ્પે બિડેનને અમેરિકાના ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે પણ કમલા હેરિસ પર હુમલો કર્યો, તેણીને બિડેન કરતા પણ વધુ ઉદાર અને ઓછી સક્ષમ ગણાવી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ સીએનએનને જણાવ્યું હતું કે તેમને લાગે છે કે નવેમ્બર 5 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બિડેન કરતાં હેરિસને હરાવવાનું સરળ રહેશે.
કોણ વધુ શક્તિશાળી ટ્રમ્પ કે હેરિસ?
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે, ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં રહેતા સૌથી ધનિક વ્યક્તિ હતા. ફોર્બ્સ અનુસાર, માર્ચ 2024ના મધ્ય સુધીમાં ટ્રમ્પની કુલ સંપત્તિ લગભગ $2.6 બિલિયન છે. રિયલ એસ્ટેટ ડેવલપર ટ્રમ્પ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 1,290માં નંબરે છે. ટ્રમ્પ પાસે અપાર સંપત્તિ છે. આમાં ન્યૂ યોર્કની રહેણાંક ઇમારતોથી માંડીને વિશ્વભરના ગોલ્ફ કોર્સ અને હોટેલ્સનો સમાવેશ થાય છે. જ્યારે ભારતીય મૂળની કમલા હેરિસની નેટવર્થ 66 કરોડ છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તેમને $235,100નો પગાર મળે છે.
આ પણ વાંચો: કોણ છે કમલા હેરિસ? જે બની શકે છે US રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર