Trump ની જીત પર આ ભાગેડુ નેતાએ શુભકામનાઓ પાઠવી
- ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શેખ હસીનાની શુભકામનાઓ
- શેખ હસીનાએ ટ્રમ્પને વિજય પર અભિનંદન પાઠવ્યા
- શેખ હસીનાએ ટ્રમ્પની જીતને અનોખું નેતૃત્વ ગણાવ્યું
- અમેરિકા સાથે મજબૂત સંબંધોની આશા સાથે શેખ હસીનાની શુભેચ્છા
- શેખ હસીનાએ ટ્રમ્પની જીત પર યુએસ-બાંગ્લાદેશ સંબંધો મજબૂત થવાની આશા દર્શાવી
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જીતી ચુક્યા છે. તેમની આ જીત પર દુનિયાભરના દિગ્ગજ નેતાઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે. જેમા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર જેલેન્સ્કીએ તેમને અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનવા બદલ શુભકામનાઓ પાઠવી છે. આ વચ્ચે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના (Sheikh Hasina) એ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. હસીનાની પાર્ટી અવામી લીગે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરતા નિવેદનમાં શેખ હસિના તરફથી ટ્રમ્પની શાનદાર જીતને તેમની અસાધારણ નેતૃત્વ અને અમેરિકાની જનતાની તેમના પર ખાસ ભરોસાના પ્રતિક તરીકે ગણાવ્યું છે.
બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે : હસીના
નિવેદન અનુસાર, હસીનાએ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની ઘણી સકારાત્મક અને ઉષ્માભરી બેઠકોને યાદ કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે. હસીનાએ બંને દેશોના દ્વિપક્ષીય અને બહુપક્ષીય હિતોને આગળ વધારવા માટે ફરીથી સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસને હરાવીને 270થી વધુ વોટ મેળવીને અમેરિકી રાષ્ટ્રપતિ પદ પર કબજો જમાવ્યો છે. 78 વર્ષીય રિપબ્લિકન નેતા હવે વ્હાઇટ હાઉસ પરત ફરવા માટે તૈયાર છે. ટ્રમ્પે પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયા જેવા મહત્વના રાજ્યો જીત્યા છે અને નેવાડા, એરિઝોના અને મિશિગનમાં આગળ રહ્યા છે.
વેદાંત પટેલે શેખ હસીનાના આક્ષેપોનું કર્યું ખંડન
શેખ હસીનાએ તેમને વડા પ્રધાન પદેથી હટાવવામાં અમેરિકાની ભૂમિકાનો આક્ષેપ કર્યો હતો, જેને તત્કાલીન બાઈડેન વહીવટીતંત્રે ફગાવી દીધો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે આ આરોપને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. પટેલે કહ્યું કે, શેખ હસીનાને PM પદેથી હટાવવામાં અમેરિકા સામેલ હોવાનું સૂચન કરવું તદ્દન ખોટું છે. તેમણે કહ્યું, "અમે તાજેતરના દિવસોમાં વિવિધ પ્રકારની ખોટી માહિતી જોઈ છે, અને અમે દક્ષિણ એશિયામાં અમારા ભાગીદારો સાથે પ્રાદેશિક અખંડિતતા જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ." ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં વધી રહેલા વિરોધ બાદ શેખ હસીનાએ 5 ઓગસ્ટે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવી ગયા હતા. હાલમાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં ચાલી રહી છે.
આ પણ વાંચો: બિઝનેસમાં પણ Trump આગળ, ભારતમાં મુંબઈથી ગુરુગ્રામ સુધી ફેલાયું છે સામ્રાજ્ય