પાકિસ્તાનમાં ઘૂસી ઇરાને કર્યો હુમલો, આતંકવાદી સંગઠનને બનાવ્યું નિશાન
IRAN AIR STRIKE : ઈરાને મંગળવારે પાકિસ્તાન હવાઈ હુમલા કર્યા હતા . હવે આખી દુનિયાની નજર આ બંને દેશો ઉપર છે. ઈરાનની સેનાએ મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના બે મુખ્ય મથકો પર હવાઈ હુમલા કર્યા હતા. ઈરાક અને સીરિયામાં ઉપર થયેલા હવાઈ હુમલાના એક દિવસ બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પાકિસ્તાનમાં ઘૂસીને હવાઈ હુમલા કર્યા હતા.
જૈશ-અલ-અદલના હેડક્વાર્ટર ઉપર હુમલો
રિપોર્ટ અનુસાર, આ ટાર્ગેટ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ આ હુમલામાં નાશ પામ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનની સરહદ પાસે ઈરાનના સુરક્ષા દળો પર જૈશ અલ અદલ દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં ઈરાને આ કાર્યવાહી કરી હતી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે આ મોટો હુમલો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલામાં કે જ્યાં જૈશ-અલ-અદલનું સૌથી મોટું હેડક્વાર્ટર હતું ત્યાં હુમલામાં બે માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે.
પાકિસ્તાને કરી સખત નિંદા
આ હુમલાની સામે પાકિસ્તાની સરકારે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ઈરાનના આ પગલાંની સખત નિંદા કરી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સખત નિંદા કરતા એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાન ઈરાન દ્વારા તેના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનની સખત નિંદા કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાને હંમેશા કહ્યું છે કે, આતંકવાદ આ ક્ષેત્રના તમામ દેશો માટે એક સામાન્ય ખતરો છે. આવી એકપક્ષીય કાર્યવાહી સારા પડોશી સંબંધો સાથે યોગ્ય નથી. આવી ક્રિયાઓ દ્વિપક્ષીય સંબંધો અને વિશ્વાસને ગંભીરપણે નબળી પાડી શકે છે.
જૈશ અલ-અદલ એક સુન્ની આતંકવાદી જૂથ
જૈશ અલ-અદલ
આ જૈશ અલ-અદલ એક સુન્ની આતંકવાદી જૂથ છે જેની સ્થાપના વર્ષ 2012 માં કરવામાં આવી હતી. આ આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાં અને મુખ્યત્વે દક્ષિણ-પૂર્વ ઈરાનમાં કાર્યરત છે. તેના સ્થાપક સલાઉદ્દીન ફારૂકી માનવામાં આવે છે. સલાઉદ્દીન ફારૂકી જૈશ-ઉલ-અદલનો વર્તમાન ચીફ પણ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા તેમના ભાઈ અમીર નરોઈની હત્યા કરવામાં આવી હતી.
આ જૈશ અલ-અદલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે. ડિસેમ્બરમાં, જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચેસ્તાનમાં પોલીસ ચોકી પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં 11 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.
ઈરાનમાં ગયા અઠવાડિયે બોમ્બ વિસ્ફોટોમાં 100 લોકોના મોત થયા હતા
તમને જણાવી દઈએ કે, ગત સપ્તાહે ઈરાનમાં બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 100 લોકોના મોત થયા હતા. બોમ્બ બ્લાસ્ટને કારણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધનું જોખમ વધી ગયું છે. તંગ પરિસ્થિતિને જોતા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન આરબ દેશોની મુલાકાત લઈ શકે છે. ઈરાન અને હમાસે આ હુમલા માટે અમેરિકા અને ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યા છે. જોકે, અમેરિકાએ આ આરોપોને સદંતર ફગાવી દીધા છે.
આ પણ વાંચો -- Maldives: શાન ઠેકાણે આવી! ભારતીય પ્રવાસીઓનો બહિષ્કારથી માલદીવને રોજનું કરોડોનું નુકસાન