લો બોલો, બેંગકોકમાં ભારતીયો જુગાર રમવા ગયા, ત્યાં પણ પોલીસે દરોડા પાડ્યા
થાઈલેન્ડના પત્તાયામાં જુગાર રમતા 80 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સોમવારે પત્તાયાની એક હોટેલમાં જુગાર રમવાની જાણ થઈ હતી. આ દરમિયાન પાડવામાં આવેલા દરોડામાં 80 ભારતીય જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે.
પત્તાયાની લક્ઝરી હોટેલમાં અડધી રાત્રે પોલીસનો દરોડો
સૂત્રો પાસેથી મળેલી બાતમીના આધારે થાઈલેન્ડ પોલીસે મોટા પાયે જુગારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો, આ જુગારધામમાં 93 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી લગભગ 80 ભારતીયો હતા, જેમાં હૈદરાબાદના હાઈપ્રોફાઈલ કેસિનો આયોજક ચિકોટી પ્રવીણનો સમાવેશ થાય છે, જેના પર અગાઉ ED દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓને ભારત પરત મોકલતા તેઓ ગોવા પહોંચ્યા હતા.
ઘટનાની માસ્ટરમાઈન્ડ 32 વર્ષીય મહિલા
પોલીસે ચાર બેકારેટ ટેબલ, ત્રણ બ્લેકજેક ટેબલ, કાર્ડના 25 સેટ, 20.92 કરોડની જુગારની ચિપ્સ, 16,000 ભારતીય રૂપિયા, આઠ ક્લોઝ-સર્કિટ કેમેરા, 92 મોબાઈલ ફોન, ત્રણ નોટબુક કોમ્પ્યુટર, એક આઈપેડ અને ત્રણ કાર્ડ ડીલર મશીનો જપ્ત કર્યા હતા. એક લોગબુક પણ જપ્ત કરવામાં આવી હતી જેમાં જુગારની ક્રેડિટ રેકોર્ડ કરાયા હતા. આ ઉપરાંત નશા માટેના ચાર આધુનિક હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનાની માસ્ટરમાઈન્ડ 32 વર્ષીય યુવતી હતી.