ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મમતા બેનર્જીના સંબોધન દરમિયાન લાગ્યા "Go Back Mamata" ના નારા
- ઓક્સફર્ડમાં મમતા બેનર્જીનો ઉગ્ર વિરોધ
- "Go Back Mamata" ના નારાથી ઓક્સફર્ડમાં હોબાળો
- SFI-UKનો મમતા બેનર્જી સામે આક્રોશ
- ઓક્સફર્ડમાં મમતાના ભાષણ દરમિયાન વિરોધ
- ઓક્સફર્ડમાં મમતા સામે આરજી કર કેસનો મુદ્દો ઉઠ્યો
- વિરોધ વચ્ચે મમતાનો વળતો પ્રહાર – "દીદી કોઈથી ડરતી નથી!"
- "હું રોયલ બેંગાલ ટાઈગર" – મમતાનો સખત સંદેશ
Mamata Banerjee Oxford speech : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ દિવસોમાં વિદેશ પ્રવાસે છે, જે દરમિયાન તેમની હાજરી અને નિવેદનો સતત ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં તેઓ લંડનના રસ્તાઓ પર Morning Walk કરતા જોવા મળ્યા હતા, જે એક સામાન્ય દિવસની શરૂઆત લાગતી હતી. પરંતુ તે જ દિવસે ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં તેમના ભાષણ દરમિયાન તેમને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો, જેણે તેમના આ પ્રવાસને વિવાદાસ્પદ બનાવી દીધો.
ઓક્સફર્ડમાં વિરોધની શરૂઆત
મમતા બેનર્જી ઓક્સફર્ડમાં "સામાજિક વિકાસ - બાળકો, મહિલાઓ અને સશક્તિકરણ" વિષય પર ભાષણ આપવા પહોંચ્યા હતા. પરંતુ તેમનું સંબોધન શરૂ થતાં જ વિદ્યાર્થીઓના એક જૂથે "Go Back Mamata" અને "જસ્ટિસ ફોર આરજી કર" જેવા નારા લગાવવાનું શરૂ કર્યું. આ વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા અને કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં દુષ્કર્મ તથા હત્યાના કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ્સ ઉઠાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો, જેનાથી હોલમાં હોબાળો મચી ગયો. આ વિરોધનું નેતૃત્વ ડાબેરી વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI-UK)ના સભ્યોએ કર્યું હતું, જેમણે મમતા અને તેમની સરકાર પર ભ્રષ્ટાચાર અને લોકશાહી અધિકારોના દમનના આરોપો લગાવ્યા.
રોકાણ અને આરજી કર પર સવાલ
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક શ્રોતાએ મમતાને પશ્ચિમ બંગાળમાં લાખો કરોડ રૂપિયાના રોકાણના દરખાસ્તો વિશે પ્રશ્ન કર્યો. મમતાએ જવાબ આપવાનું શરૂ કર્યું, પરંતુ તે પહેલાં જ બીજા એક દર્શકે વચ્ચે ટોક્યા અને આરજી કર કેસનો મુદ્દો ઉઠાવ્યો. આ પ્રશ્નોથી ભડકેલા વાતાવરણમાં મમતાએ શાંતિ જાળવીને કહ્યું, "આરજી કર કેસ કોર્ટમાં છે અને કેન્દ્ર સરકારના હાથમાં છે, મારા નહીં. આને રાજકીય મંચ ન બનાવો." તેમણે વિરોધીઓને શાંત કરવાનો પ્રયાસ કરતાં ઉમેર્યું, "તમે જોરથી બોલો, હું બધું સાંભળીશ, પરંતુ અહીં રાજકારણ ન કરો."
ભૂતકાળનો ફોટો અને જવાબ
વિરોધના જવાબમાં મમતાએ 1990ના દાયકાનો પોતાનો એક જૂનો ફોટો બતાવ્યો, જેમાં તેમના માથા પર પાટો બાંધેલો હતો. તેમણે દાવો કર્યો, "જ્યારે હું વિરોધ પક્ષમાં હતી, ત્યારે મને મારી નાખવાનો પ્રયાસ થયો હતો. આ ફોટો જુઓ, પછી મને પ્રશ્ન કરો." તેમણે વિરોધીઓને ટોણો મારતા કહ્યું, "તમારે બંગાળ જઈને તમારા રાજકીય પક્ષને મજબૂત કરવો જોઈએ, પછી મારી સાથે દલીલ કરવી જોઈએ." આ નિવેદનથી હોલમાં હાજર કેટલાક લોકોએ તેમને તાળીઓથી સમર્થન આપ્યું, જ્યારે વિરોધીઓએ "Go Back Mamata"ના નારા ચાલુ રાખ્યા.
હિન્દુ-મુસ્લિમ મુદ્દો અને SFIનો આરોપ
વિરોધ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ બંગાળમાં હિન્દુઓ સાથેના વર્તન અંગે પ્રશ્નો ઉઠાવ્યા. મમતાએ આનો જવાબ આપતાં કહ્યું, "હું બધા ધર્મો સાથે છું. મારા માટે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે અન્ય કોઈ ધર્મના લોકો સમાન છે. હું સમાજને વિભાજિત નથી કરતી." તેમણે સ્વામી વિવેકાનંદના વિચારોને ટાંકીને ઉમેર્યું, "લોકોને વિભાજિત કરવું સરળ છે, પરંતુ એકતા જાળવવી એ મોટું કામ છે." જોકે, SFI-UKએ તેમના પર ભ્રષ્ટાચાર અને લોકશાહીના દમનના આરોપો લગાવતા આ વિરોધની તસવીરો ફેસબુક પર શેર કરી, જેમાં તેમણે મમતાને "સાંપ્રદાયિક અને રાજકીય લાભ માટે કોઈપણ મંચનો ઉપયોગ કરનાર" ગણાવી.
મમતાનો વળતો પ્રહાર
SFIના આરોપોનો જવાબ આપતાં મમતાએ કહ્યું, "તમે મારા ડાબેરી મિત્રો અને સાંપ્રદાયિક મિત્રો છો, જે રાજકારણ માટે કોઈપણ પ્લેટફોર્મનો દુરુપયોગ કરો છો. તમે બધે આવું કરો છો." તેમણે પોતાની નિર્ભયતા દર્શાવતા ઉમેર્યું, "દીદી કોઈથી ડરતી નથી. હું રોયલ બેંગાલ ટાઈગરની જેમ ચાલું છું. તમે મને ફરી આવવા પ્રોત્સાહન આપ્યું." આ નિવેદનથી તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો, અને આખરે વિરોધીઓએ હોલ છોડવું પડ્યું.
એકતા પર ભાર
ભાષણના અંતમાં મમતાએ એકતા અને સમાવેશી વિકાસ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, "જ્યારે હું સત્તામાં હોઉં છું, ત્યારે સમાજને વિભાજિત કરી શકતી નથી. આપણે બધા ધર્મો, જાતિઓ અને વર્ગો માટે સાથે મળીને કામ કરવું જોઈએ. એકતા આપણી શક્તિ છે, જ્યારે વિભાજન આપણને નબળા બનાવે છે." તેમના આ શબ્દોને હાજર લોકોએ તાળીઓથી વધાવ્યા, જે દર્શાવે છે કે વિરોધ છતાં તેમણે પોતાનો સંદેશ પહોંચાડવામાં સફળતા મેળવી.
આ પણ વાંચો : રંગભેદ સામે કેરળના મુખ્ય સચિવ શારદા મુરલીધરનનો જડબાતોડ જવાબ વાયરલ