લોકશાહી કે રાજાશાહી...શું હશે નેપાળનું ભવિષ્ય? સળગતો સવાલ !!!
- નેપાળ પર શાહ રાજવંશે 239 વર્ષ શાસન કર્યુ
- જનતા ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ અને તેમના પરિવારને સત્તા આપવાના પક્ષમાં નથી
- નેપાળ હિન્દુ રાષ્ટ્રને બદલે લોકશાહી ધર્મનિરપેક્ષ દેશ છે
- રાજાશાહી તરફી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP)પાસે ફક્ત 7 સાંસદો છે
Kathmandu: નેપાળમાં રાજાશાહી પાછી લાવવા અને નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ સાથે ચાલી રહેલ આંદોલન હિંસક બન્યું છે. જેમાં 2 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આ સંજોગોમાં સળગતો સવાલ એ છે કે શું નેપાળમાં બંધારણ વિરુદ્ધ રાજાશાહી લાગુ થશે અને લોકશાહીનો અંત આવશે?
239 વર્ષ રાજવંશનું શાસન
નેપાળ પર શાહ રાજવંશે 239 વર્ષ શાસન કર્યુ. નેપાળના રાજા બિરેન્દ્ર વીર બિક્રમ શાહ અને તેમના પરિવારના 8 સભ્યોની હત્યા બાદ, જ્ઞાનેન્દ્ર શાહને નેપાળના રાજા બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ પછી માઓવાદીઓ ત્યાં સક્રિય થઈ ગયા અને રમખાણો શરૂ થઈ ગયા. આખરે, ભારતની મધ્યસ્થીથી, વર્ષ 2006 માં માઓવાદીઓની હિંસા શમી ગઈ અને વર્ષ 2008 માં નેપાળમાં રાજાશાહીનો અંત આવ્યો. વચગાળાના બંધારણનો અમલ કરીને ત્યાં લોકશાહી પુનઃસ્થાપિત કરવામાં આવી અને સંપૂર્ણ બંધારણનો અમલ કરવાની કવાયત શરૂ થઈ.
નવું બંધારણ 2015 માં અમલમાં આવ્યું
રાજકીય અનિશ્ચિતતા વચ્ચે, નેપાળના સંપૂર્ણ બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં અને તેનો અમલ કરવામાં પૂરા 7 વર્ષ લાગ્યા. 20 સપ્ટેમ્બર 2015 ના રોજ નેપાળનું બંધારણ આખરે અમલમાં આવ્યું. જે તેનું 7મું બંધારણ છે. આ પછી, નેપાળ સંપૂર્ણપણે લોકશાહી દેશ બન્યો અને રાજાશાહી વ્યવસ્થાની સાથે, હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો પણ સમાપ્ત થઈ ગયો. અગાઉ, જ્યારે નેપાળમાં રાજાશાહી હતી ત્યારે રાજા જે કંઈ કહેશે તે કાયદો હશે. લેખિત બંધારણના અમલ પછી, નેપાળમાં ફક્ત ચૂંટાયેલી સરકાર જ કાયદા બનાવી શકે છે.
હિન્દુ રાષ્ટ્રને બદલે લોકશાહી ધર્મનિરપેક્ષ દેશ
નેપાળનું નવું બંધારણ એ લોકોના પ્રતિનિધિઓ દ્વારા પસાર કરાયેલું પ્રથમ બંધારણ છે જે 35 ભાગો, 308 કલમો અને 9 અનુસૂચિમાં વહેંચાયેલું છે. આ સાથે નેપાળ હવે એક ધર્મનિરપેક્ષ દેશ છે. આ મુજબ, નેપાળ હવે એક સંઘીય પ્રજાસત્તાક છે અને સંઘવાદ તેનો મૂળભૂત સિદ્ધાંત છે. આનો અર્થ એ થયો કે નેપાળમાં હવે રાજાશાહી માટે કોઈ સ્થાન નથી. નેપાળના બંધારણનો બીજો મૂળભૂત સિદ્ધાંત ધર્મનિરપેક્ષતા હોવાથી, નેપાળ હિન્દુ રાષ્ટ્રને બદલે લોકશાહી ધર્મનિરપેક્ષ દેશ છે. નેપાળનું બંધારણ આર્થિક સમાનતા સાથે સમતાવાદી સમાજની કલ્પના કરે છે. આ માટે, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂળભૂત અધિકારોની લાંબી યાદી છે અને જો આને અવગણવામાં આવે તો કોર્ટમાં કેસની સુનાવણી થઈ શકે છે.
આ પણ વાંચોઃ IFS Nidhi Tewari : 2014 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી PMના પર્સનલ સેક્રેટરી
રાજાશાહી ફરીથી લાગુ કરવા કોઈ જોગવાઈ નથી
નેપાળમાં હાલમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (યુનિફાઇડ માર્ક્સવાદી-લેનિનિસ્ટ) શાસન કરે છે, જ્યારે રાજાશાહી તરફી રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP)પાસે ફક્ત 7 સાંસદો છે. આવી સ્થિતિમાં સંસદમાં આ માંગણીને સમર્થન નહિવત છે. બીજી તરફ નેપાળના બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે જેના દ્વારા રાજાશાહી ફરીથી લાગુ કરી શકાય.
રાજા જ્ઞાનેન્દ્ર શાહ પર જનતાને વિશ્વાસ નથી
જનતા ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ અને તેમના પરિવારને સત્તા આપવાના પક્ષમાં નથી. જેઓ લાંબા સમય પછી અચાનક સક્રિય થયા છે. આ રાજા લોકશાહીમાં માનતા નથી. તેથી જો તે ફરીથી ગાદી પર આવશે તો તે ફરીથી નેપાળમાં સરમુખત્યારશાહી લાદવાનો પ્રયાસ કરશે. આ સંજોગોમાં બંધારણ દ્વારા તેમને આપવામાં આવેલા અધિકારો સિવાય, નેપાળમાં કોઈ પણ વ્યક્તિ જ્ઞાનેન્દ્ર શાહના પરિવારને રાજવંશને આગળ વધારવાનો અધિકાર આપવાનું વિચારી પણ શકે નહીં. તાજેતરના હિંસક વિરોધ પ્રદર્શનોએ જ્ઞાનેન્દ્ર શાહ અને તેમના પરિવાર પરનો જનતાનો વિશ્વાસ સંપૂર્ણપણે ડગી ગયો છે. તેથી, તેમનું સિંહાસન પર પાછા ફરવું હવે કોઈપણ રીતે શક્ય નથી.
હિન્દુ રાષ્ટ્ર બનવાની શક્યતા ધૂંધળી
નેપાળ હેડલાઈન કોમના મુખ્ય સંપાદક ઉપેન્દ્ર પોખરેલનું દ્રઢપણે માનવું છે કે નેપાળમાં હિન્દુ રાષ્ટ્ર માટેની ભાવનાઓ પ્રબળ છે. નેપાળ હવે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બની ગયું હોવાથી, હવે હિન્દુ રાષ્ટ્ર માટે આંતરરાષ્ટ્રીય સમર્થન રહેશે નહીં. તેથી, નેપાળ ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનવાની કોઈ શક્યતા દેખાતી નથી.
આ પણ વાંચોઃ સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી, કહ્યું - 89 હજાર શાળાઓ થઇ બંધ અને..!