Murder : કેનેડામાં છુપાયેલા ભારતના વધુ એક ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા, NIAની વોન્ટેડ લિસ્ટમાં હતો સામેલ
કેનેડામાં વધુ એક ખાલિસ્તાની સમર્થકની હત્યા કરવામાં આવી છે. કેનેડામાં રહેતા આતંકવાદી સુખદુલ સિંહની અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકી સુખદુલ NIAની વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. તેના પર આરોપ છે કે તે ખાલિસ્તાની આતંકવાદીઓને મદદ કરતો હતો. સુખદુલ પંજાબના મોગાનો રહેવાસી હતો. તે પંજાબથી ભાગીને 2017માં કેનેડા પહોંચ્યો હતો. સુખદુલ ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહનો નજીકનો માનવામાં આવે છે.
થોડા દિવસ પહેલા જ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. આ કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પણ બગડી રહ્યા છે. સુખદુલની હત્યા પણ નિજ્જરની હત્યા જેવી જ હતી. અહેવાલો અનુસાર, 2017માં સુખદુલ નકલી દસ્તાવેજોની મદદથી ભારતથી કેનેડા ભાગી ગયો હતો.
NIAએ ઈનામની જાહેરાત કરી હતી
આતંકવાદી સુખદુલ વિરુદ્ધ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. કાયદાથી બચવા માટે તે ભારત છોડીને આશ્રય મેળવવા કેનેડા પહોંચી ગયો હતો. સુખદુલ પર નકલી પાસપોર્ટ બનાવવાનો પણ આરોપ હતો જેની મદદથી તે ભારત ભાગી ગયો હતો. સુખદુલ પર ખાલિસ્તાનીઓને મદદ કરવાનો પણ આરોપ હતો. સુખદુલ સિંહ રાષ્ટ્રીય તપાસ એજન્સીના રડાર પર રહેલી મોસ્ટ વોન્ટેડ અર્શ દલ્લા ગેંગ સાથે સંબંધિત હતો. 20 સપ્ટેમ્બરે NIAએ અર્શ દલ્લા ગેંગ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આ સિવાય તપાસ એજન્સીએ 43 ગેંગસ્ટર સાથેના સુખદ ફોટા પણ જાહેર કર્યા હતા.
બનાવટી પાસપોર્ટ તૈયાર કરીને કેનેડા ભાગી ગયો હતો
ગેંગસ્ટર સુખદુલસિંહ ગીલ ઉર્ફે સુખા દુન્નાકે વર્ષ 2017માં બનાવટી પાસપોર્ટ તૈયાર કરીને કેનેડા ભાગી ગયો હતો. તેણે પોલીસ સાથે મીલીભગતથી કેનેડાના વિઝા મેળવ્યા હતા. પંજાબ પોલીસના બે કર્મચારીઓ પર તેની મદદ કરવાનો આરોપ હતો બાદમાં તેઓની મોગા પોલીસે ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેની સામે સાત ગુનાહિત કેસો નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ કેનેડાના સરેમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને કેનેડાના PM ટુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે આ પછી ભારતે પર વળતો જવાબ આપ્યો અને તમામ નિવેદનોને વાહિયાત ગણાવ્યા હતા.