હિંદ મહાસાગરમાં ઈઝરાયલી જહાજ પર ડ્રોનથી હુમલો,વાંચો અહેવાલ
ભારતીય દરિયાકાંઠે હિંદ મહાસાગરમાં લાઇબેરિયન-ધ્વજવાળા ટેન્કર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હિંદ મહાસાગરમાં એક વેપારી જહાજમાં વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર છે. એક મેરીટાઇમ એજન્સીએ માહિતી આપી છે કે ડ્રોન હુમલાના કારણે જહાજમાં વિસ્ફોટ થયો હતો.
આ ઘટનામાં જણાવવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન હુમલો ગુજરાતના વેરાવળ તટથી 200 નોટિકલ માઈલના અંતરે કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજનું ઈઝરાયેલ સાથે કનેક્શન હતું અને તે ભારત આવી રહ્યું હતું. હુતીઓએ જાહેરાત કરી હતી કે તેઓ ઇઝરાયેલ સાથે જોડાયેલા કોઈપણ જહાજને નિશાન બનાવશે. હવે ભારતીય દરિયાકાંઠે ડ્રોન હુમલા બાદ આશંકા હુતીઓ તરફ જઈ રહી છે. આ હુમલાની હજુ તપાસ ચાલી રહી છે. આ જહાજને અત્યંત સાવધાની સાથે આગળની મુસાફરી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતે ખાડીમાં તૈનાત કર્યા યુદ્ધ જહાજો
ડ્રોન હુમલા બાદ ભારત આવતા જહાજમાં આગ ફાટી નીકળી હતી. આ પહેલા ઈઝરાયેલના હુમલાનો વિરોધ કરી રહેલા યમનના હુતી બળવાખોરોએ ભારત આવી રહેલા જહાજને હાઈજેક કરી લીધું હતું. એટલું જ નહીં, હુતીઓએ લાલ સમુદ્રમાં અનેક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેના કારણે અનેક જહાજોને નુકસાન થયું છે. હુતીઓને ઈરાનનું ખુલ્લું સમર્થન છે અને તેઓ હમાસના સમર્થનમાં સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરી રહ્યા છે. જેના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત વેપાર માર્ગો પૈકીનો એક સમુદ્રી માર્ગ હવે જોખમમાં મુકાયો છે. આ જ કારણ છે કે હવે ઘણી કંપનીઓ આફ્રિકા મારફતે બિઝનેસ કરી રહી છે. આનાથી ઘણો ખર્ચ થઈ રહ્યો છે.
ઈઝરાયેલના જહાજ પર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાંથી પસાર થઈ રહેલા ઈઝરાયેલના જહાજોને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી. હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં અનેક વેપારી જહાજોને પણ નિશાન બનાવ્યા હતા. જેના કારણે કોમર્શિયલ જહાજોને તેમના રૂટ બદલવાની ફરજ પડી રહી છે. નવેમ્બરમાં, હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં એક કાર્ગો જહાજને પણ હાઇજેક કર્યું હતું.