આ દિગ્ગજ નેતાઓ સળંગ છ થી સાત ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે, તેમના નામનો વાગે છે ડંકો
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સાત એવા ઉમેદવાર છે, જે 6 થી 7 ટર્મથી ચૂંટણી લડીને જીતતા આવ્યા છે. ભાજપના યોગેશ પટેલ, પબુભા માણેક, બીટીપીના છોટુ વસાવા સળંગ સાત વખત જીતવાનો રેકોર્ડ ધરાવે છે. તો મધુ શ્રીવાસ્તવ, પુરુષોતમ સોલંકી, કેશુભાઇ નાકરાણી સળંગ છ વખત ચૂંટણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. યોગેશ પટેલ યોગેશ પટેલ અત્યારસુધીમાં 7 વાર ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે. માંજલપુર વિધાનસભા બેઠકના વર્
08:55 AM Nov 22, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સાત એવા ઉમેદવાર છે, જે 6 થી 7 ટર્મથી ચૂંટણી લડીને જીતતા આવ્યા છે. ભાજપના યોગેશ પટેલ, પબુભા માણેક, બીટીપીના છોટુ વસાવા સળંગ સાત વખત જીતવાનો રેકોર્ડ ધરાવે છે. તો મધુ શ્રીવાસ્તવ, પુરુષોતમ સોલંકી, કેશુભાઇ નાકરાણી સળંગ છ વખત ચૂંટણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે.
યોગેશ પટેલ
યોગેશ પટેલ અત્યારસુધીમાં 7 વાર ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે. માંજલપુર વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને વર્તમાન વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર યોગેશ પટેલનો જન્મ 1946માં થયો છે. વડોદરાના મોટા ભાગના રાજકીય નેતાઓ આર્થિક રીતે સુખી સંપન્ન થયા બાદ તેમનાં મૂળ મકાનો છોડીને અન્ય વિસ્તારોમાં રહેવા ગયા છે, પરંતુ ધારાસભ્ય યોગેશ પટેલ આજે પણ પોળમાં ત્રણ માળના મકાનમાં પત્ની સરોજબહેન સાથે રહે છે અને તેમનો પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયાં છે. 1990માં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાવપુરા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારથી આજ સુધી 7 વાર ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે.વિધાનસભા ચૂંટણી 2022માં પણ ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે.
1990માં જનતા પાર્ટીમાંથી યોગેશ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ 1995માં તેઓ ભાજપમાં જોડાયા હતા. જ્યારથી તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારથી તેઓ રાવપુરા બેઠક પરથી 5 વખત અને માંજલપુર બેઠક પર 2 ટર્મથી ચૂંટાઇ આવે છે. ગુજરાત વિધાનસભા 2022ની માંજલપુર બેઠક પર ભાજપમાં કોકડું ગૂંચવાયું હતું. આ બેઠક પર સીટિંગ MLA યોગેશ પટેલ ચૂંટણી લડવાની જીદ પકડીને બેઠા હતા. છેવટે ભાજપે બધા નિયમો નેવે મૂકીને 76 વર્ષના ઉમેદવારને ટિકિટ આપવી પડી છે. યોગેશ પટેલ પોતાના આકરા તેવર માટે જાણીતા છે, તેઓ સરકાર હોય કે અધિકારી, કોઈની પણ સામે બાંયો ચડાવતાં અચકાતા નથી.
છોટુ વસાવા
છોટુ વસાવા સાત વખત ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, તેમનો દીકરો મહેશ વસાવા પણ રાજકારણમાં સક્રિય છે. છોટુ વસાવાની રાજનીતિ આદિવાસી અધિકાર, અસ્મિતા, અનુસૂચિ-5ના અમલીકરણ અને વિકાસ પર કેન્દ્રિત રહી છે. આ માટે તેઓ ભૂતકાળમાં કૉંગ્રેસ અને એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરી ચૂક્યા છે. 1945માં જન્મેલા વસાવા 1985માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ 1990માં જનતા દળની ટિકિટ પર પ્રથમ વખત જીત્યા હતા. ત્યારથી આજદિવસ સુધી સાત વખત તેઓ ઝઘડિયા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. રાજકીય સફરમાં છોટુ વસાવા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા, પણ ક્યારેય સાંસદ બની શક્યા નથી.
પબુભા માણેક
પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતી રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા ત્યાર બાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યાર બાદ તેઓ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને વર્ષ 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજયી થયા છે. પબુભા માણેકનો જન્મ 2 જુલાઈ 1956ના રોજ થયો હતો. 66 વર્ષીય પબુભા માણેક છેલ્લા 32 વર્ષથી ધારાસભ્ય છે. તેઓ પહેલીવાર 34 વર્ષની ઉંમરે વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યારથી ચૂંટણીમાં વિજય મેળવી રહ્યા છે.
મધુશ્રી વાસ્તવ
1995થી 2017 સુધી સતત 6 ટર્મ સુધી વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય તરીકે જીતતા આવ્યા છે. અને વાઘોડિયા બેઠક પર કબજો જમાવી રાખ્યો છે. આ વખતે ભાજપે તેમને ટિકીટ ન આપતા તેઓ પાર્ટી સામે નારાજગી દર્શાવી ચૂક્યા છે..1995માં અપક્ષ ચૂંટણી જીત્યા બાદ 1997માં કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેના ગજગ્રાહના કારણે રાજ્ય સરકારમાં ઊથલપાથલ થઈ હતી, ત્યારે તેમણે શંકરસિંહ વાઘેલાને ટેકો આપ્યો હતો. એક વર્ષ બાદ ચૂંટણી આવતા તેઓ 1998માં વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
પુરષોતમ સોલંકી
1995 પહેલાં પુરુસોત્તમ સોલંકી ભાજપમાં જોડાયા હતા. ચૂંટણીમાં સોલંકીને ઘોઘા બેઠક પરથી ટિકિટ આપી અને તેઓ સરળતાથી જીતી ગયા. એ પછી સોલંકી 1998, 2002 અને 2007માં પણ ઘોઘાથી જીત્યા. નવા સીમાંકનના કારણે 2012માં ઘોઘા બેઠક નાબૂદ થતાં તેઓ ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી લડ્યા. તેઓ 2012 અને 2017માં ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી જીતતા આવ્યા છે.
કોળી વોટબેંક પર પ્રભુત્વ ધરાવતા અને સમાજમાં 'ભાઈ' તરીકે ઓળખાતા પુરુસોત્તમ સોલંકીની ગણતરી શિક્ષિત રાજકારણીઓમાં કરવામાં આવે છે. તેમણે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે.
કેશુભાઇ નાકરાણી
કેશુભાઇ નાકરાણી 1995, 1998, 2002, 2007, 2012, અને 2017માં એમ સળંગ છ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. ગારિયાધારની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે કેશુભાઈ નાકરાણીનો જન્મ 29 ઓક્ટોમ્બર, 1957ના રોજ ભાવનગરના ગારિયાધારમાં થયો હતો. તેમના પિતાનું નામ હીરજીભાઈ નાકરાણી છે. તેમણે સૌપ્રથમ વખત 1995માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. હવે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરીથી એક વખત ભાજપના ઉમેદવાર બન્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article