અમદાવાદની ઘાટલોડિયા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
ગુજરાતના રાજકારણમાં મહત્વની બેઠક
આજે વાત કરીશું રાજ્યના મુખ્યમંત્રી સાથે સીધો સંબંધ ધરાવતી બેઠકની. અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક (Ghatlodiya Assembly) ગુજરાતના મુખ્યમંત્રીની બેઠક ગણાતી આવી છે. અગાઉ આનંદીબેન પટેલ અને હવે ભૂપેન્દ્ર પટેલની આ બેઠક ગુજરાતના રાજકારણમાં અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત ભાજપના આ બંને મહત્વના અગ્રણીઓ આ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે અને મુખ્યમંત્રી પણ બન્યા છે. આ બેઠકથી જાણે ગુજરાતના નવા મુખ્યમંત્રી (Gujarat New Chief Minister) પદનો રસ્તો સીધો ખુલી જાય છે.
ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મહાજંગમાં ઘાટલોડિયા બેઠક ભાજપ (BJP) માટે ખાસ છે. ભાજપના ગઢ સમાન આ બેઠક પર જીત મેળવવી ભાજપ માટે જાણે રમતની વાત છે જ્યારે કોંગ્રેસ (Congress) માટે કપરા ચઢાણ સાબિત થાય છે. સરકાર સાથે ખાસ સબંધ ધરાવતી અને નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પરથી અગાઉ આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ વિજયી બન્યા છે. જે બંને મુખ્યમંત્રી બન્યા છે. આવો જાણીએ આ બેઠક પર ગુજરાત ચૂંટણી 2022 માટેના સામાજિક રાજકીય લેખાજોખાં.
ભૂપેન્દ્ર પટેલ ગત ચૂંટણીમાં જીત્યા હતા
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેના ચૂંટણી જંગમાં વિધાનસભાની 41 નંબરની ઘાટલોડિયા બેઠક કેટલીક બાબતોને લઇને ખાસ છે. વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 2017ની ચૂંટણીમાં આ બેઠક પરથી જ તોતિંગ લીડથી જીત્યા હતા. જેથી આગામી વિધાનસભા ચૂંટણી માટે આ બેઠક પર સૌનું ધ્યાન રહેશે.
ગૃહ મંત્રી અમિત શાહનો મત વિસ્તાર
આ બેઠક અમદાવાદ જિલ્લામાં છે અને વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. વર્તમાનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મતક્ષેત્ર છે. ઘાટલોડિયા વિસ્તારમાં પ્રભાત ચોક, રન્નાપાર્ક, સાયોના સીટી, ચાણક્યપુરી ઘાટલોડિયા ગામ વગેરે આવેલા છે.
આ વિધાનસભા બેઠક હેઠળ અમદાવાદ શહેર તાલુકાના ગામો છે. જેમાં ત્રાગડ, ઘાટલોડિયા (એમ), મેમનગર (એમ). તથા દસક્રોઇ તાલુકા ગામોમાં લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા (સીટી), થલતેજ (સીટી), બોપલ (સીટી)નો સમાવેશ થાય છે.
2012માં આનંદીબેન પટેલ જીત્યા હતા
2012માં ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબેન ચૂંટણી લડ્યા હતાં. જોકે, 2017માં એવી ચર્ચા હતી કે આનંદીબહેનનાં પુત્રી અનારબેનને તેમના માતાની બેઠક મળશે, પરંતુ 2017માં તેમના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડ્યા હતાં અને જંગી બહુમતિથી જીત્યા હતાં.
બેઠક પર વ્યક્તિ નહીં, પક્ષ મહત્વનો
ઘાટલોડિયા બેઠક અમદાવાદના શહેરી વિસ્તારની બેઠકમાં આવે છે. આ બેઠક ભાજપની બેઠક તરીકે ઓળખાય છે. આ બેઠકનું સીમાંકન એવી રીતે કરવામાં આવ્યું છે કે અહીં મુસ્લિમ મતદાર ઓછા છે. આ બેઠક પર વ્યક્તિગત નહીં પણ પક્ષ મહત્ત્વનો હોવાનું માનવામાં આવે છે. જો ભાજપ અહીંથી કોઈને ટિકિટ આપે તો તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
જ્ઞાતિ જાતિના સમીકરણો
અમદાવાદ શહેરની ઘાટલોડિયા (41) વિધાનસભા બેઠક પાટીદાર અને રબારીના પ્રભુત્વ ધરાવતા વિસ્તાર તરીકે ઓળખાય છે. ઘાટલોડિયા બેઠકમાં 3.74 લાખ મતદારો છે. અહીં પાટીદાર મતદારોની સંખ્યા 70થી 78 હજાર માનવામાં આવે છે તો રબારી-માલધારી સમાજના 40 હજારથી વધુ મતદારો છે. આ સિવાય ઠાકોર, દલિત અને અન્ય સમાજની વસ્તી પણ નિર્ણાયક છે. ઘાટલોડિયા વિસ્તારમાં 53 ટકા પુરુષો અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 83 ટકા છે. જેમાં પુરુષો અને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 85 અને 80 ટકા છે.
પટેલના સ્થાને પટેલને મળી ટિકિટ
2017ની ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર જોવા મળી હતી. પરંતુ અહીં તમામ પાટીદારો ભાજપની વિરુદ્ધ ન હતા. આ જ કારણ છે કે 2017માં આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા પછી ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
ભૂપેન્દ્ર પટેલની રેકોર્ડબ્રેક જીત
ભૂપેન્દ્ર પટેલ 2017માં અહીંથી 1 લાખ 75 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન 2021માં વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવાયા ત્યારે અચાનક ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનના અનુયાયી છે.
કોંગ્રેસ માટે કપરાં ચઢાણ વાળી બેઠક
2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકર્ડ બ્રેક 1.10 લાખ મતદારોની લીડથી જીત મેળવી આનંદીબહેન પટેલ ધારાસભ્ય બન્યા હતા. આ ઘાટલોડિયાની બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અહીંથી જીતવું એ કોંગ્રેસ માટે દિવા સ્વપ્ન સમાન છે.
કોંગ્રેસમાંથી શશિકાંત પટેલને ટિકિટ મળી હતી
અહીંથી ભાજપ મોવડી મંડળે આનંદીબહેન પટેલના ખાસ વિશ્વાસુ એવા ભૂપેન્દ્રભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા તો બીજી તરફ કોંગ્રેસે શશિકાંત પટેલને ટિકિટ આપી હતી. પાટીદારોના પ્રભુત્વવાળી બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બે પાટીદાર ઉમેદવારો મેદાનમાં હતા. પરંતુ આ બેઠક પર ભાજપ હમેશા હરીફ પક્ષ પર હાવી રહ્યો છે.
ઘાટલોડિયા બેઠક પર બે ચૂંટણીના પરિણામ
વર્ષ જીતનાર ઉમેદવાર પક્ષ
2012 આનંદીબેન પટેલ ભાજપ
2017 ભૂપેન્દ્ર પટેલ ભાજપ
ભાજપનો દબદબો યથાવત
અહીં ઉલ્લેખનીય છે કે, નવા સીમાંકન બાદ સરખેજ વિધાનસભા બેઠકના ભાગ પાડી નવી વિધાનસભાઓ અસ્તિત્વમાં આવી હતી. જેમાં ઘાટલોડિયા, વેજલપુર, સરખેજનો સમાવેશ થાય છે, જ્યારે સરખેજનો કેટલોક ભાગ અન્ય વિધાનસભામાં પણ ભળ્યો હતો. સરખેજ વિધાનસભા વર્ષોથી ભાજપનો ગઢ હતી, જેમાંથી છૂટી પડી બનેલી ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ જ સાબિત થઇ છે.
ઘાટલોડિયા બેઠકે આપ્યા 2 મુખ્યમંત્રી
ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રીઓ આપ્યા છે, આનંદી બેન પટેલ અને ભુપેન્દ્ર પટેલ. આ બંને મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના છે. 2014માં લોકસભાની ચૂંટણીઓમાં તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીતી ગયા હતા. ત્યારબાદ તેમણે વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી હતી. મોદી વડાપ્રધાન બનતા તેમનું પદ આનંદીબેન પટેલે સંભાળ્યું હતું,
અનામત આંદોલને સરકારનું કામ બગાડ્યું
અલબત્ત 2016માં પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબેનની સત્તા જતી રહી હતી. પાટીદાર અનામત આંદોલનનું મુખ્ય સેન્ટર પણ ઘાટલોડિયા જ રહ્યું હતું. ત્યારબાદ વિજય રૂપાણી સત્તામાં આવ્યા હતા અને તેમના રાજીનામા બાદ મુખ્યમંત્રીનું પદ સાંભળનાર વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટાઈને આવ્યા હતા. 2017માં ઘાટલોડિયા બેઠક પર પાટીદાર આંદોલન છતાં કોંગ્રેસના શશિકાંત પટેલને અહીં 57902 મત મળ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલને 1 લાખ 75 હજાર મત મળ્યા હતા.
પાટીદાર આંદોલનનું જાણે એપી સેન્ટર
ઘણા સમય પહેલા ઘાટલોડિયા બેઠક માટેના સમીકરણોનો હાર્દિકની ટીમ દ્વારા તાગ મેળવવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન વખતે ઘાટલોડિયા વિધાનસભા બેઠક એપી સેન્ટર રહ્યું હતું. આ વિસ્તારના અમુક પાટીદારોએ આંદોલનના સમર્થનમાં ખુલીને ભાગ લીધો હતો. હાર્દિક પટેલનો ઘણો પ્રભાવ હતો.
બેઠક સાથે જોડાયો હતો આ વિવાદ
પાટીદાર અનામત આંદોલનને પગલે આનંદીબેન પટેલની સરકાર ભીંસમાં મુકાઇ હતી. જેને પગલે ચૂંટણીમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે આનંદીબેન પટેલના સ્થાને કોને ટિકિટ આપવી એ મોટો સવાલ ઉભો થયો હતો. પાટીદાર ઉમેદવાર તેમજ લોબિંગ સહિતના મુદ્દાઓને લઇને એ વખતે આંતરિક વિવાદ ઉઠ્યો હતો. જોકે બધુ સમુતરૂ પાર પડી ગયું અને છેવટે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગી ઉતારવામાં આવી હતી.
આગામી મુખ્યમંત્રી કોણ?
ભૂપેન્દ્ર પટેલે ગત ચૂંટણીમાં પાર્ટીની સાખને તો બચાવી પણ સાથોસાથ જંગી લીડ સાથે જીત મેળવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા. આ બેઠક આમ તો ભાજપનો ગઢ ગણાય છે. અહીં ભાજપને જીત માટે ખાસ કોઇ મુશ્કેલી નથી. હવે જોવાનું એ રહે છે કે અહીંથી જીતનાર ઉમેદવાર જ મુખ્યમંત્રી બને છે કે કોઇ નવા ચહેરાની પસંદગી થાય છે. આ બેઠકને મુખ્યમંત્રી પદ સાથે જાણે સીધો સંબંધ હોવાથી અહીં કોને ટિકિટ આપવામાં આવે છે એને લઇને પણ આ બેઠક હોટ છે.
Advertisement