AAPના 5 કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કર્યો, AAPમાં માનસિક ત્રાસ અપાતો હોવાનો આરોપ
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યા અને તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરોએ ભાજપનો
ખેસ પહેંર્યો છે.
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-3ના ઋતા કેયુર કાકડીયા, વોર્ડ 2ના ભાવના ચીમન સોલંકી, વોર્ડ 16ના વિપુલ
મોવલિયા, વોર્ડ 8ના જ્યોતિકા લાઠિયા અને વોર્ડ નંબર 5ના મનીષા કુકડિયાએ AAPમાંથી રાજીનામું આપ્યું છે.
સુરત મહાનગરપાલિકામાં 27 AAPના કોર્પોરેટરો હતા જેમાં 5 કોર્પોરેટરોએ રાજીનામાં આપતા હવે 22 કોર્પોરેટરો રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની 120 બેઠકમાંથી 27 કોર્પોરેટરો AAPમાંથી ચૂંટાઈ આવ્યા હતા અને પ્રથમ વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ વિપક્ષની ભૂમિકામાં સ્થાન મેળવ્યું છે. જેને લઇ સમગ્ર ગુજરાતમાં AAPનું કદ મજબૂત બન્યુ હતું. મહેશ સવાણી અને વિજય સુંવાળાએ રાજીનામું આપતાં જ AAP તૂટવાની શરૂઆત થઈ છે.
ત્યારે આ દરમિયાન AAPમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર ઋતા કાકડિયાએ તેમના પર માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ તેમણે AAPના તમામ પ્રદેશ નેતાઓ સામે માનસિક ત્રાસની ફરિયાદ કરવામાં આવશે તેવો દાવો કર્યો છે.
હવે કોની પાસે કેટલા કોર્પોરેટર?
સુરત મનપાના કુલ 30 વોર્ડમાં
120 બેઠક છે જેમાથી 93 બેઠક પર ભાજપના કોર્પોરેટર વિજેતા થયા છે જ્યારે 27 બેઠક પર AAPના કોર્પોરેટરો જીત્યા હતા. જ્યારે કોંગ્રેસ પાસે એક પણ બેઠક નથી. AAPમાંથી 27 કોર્પોરેટરોમાંથી 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા AAP પાસે 22 કોર્પોરેટરો વધ્યા છે.