સુરતની લિંબાયત બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
ઈતિહાસ
સુરતની લિંબાયત વિધાનસભા બેઠક (limbayat assembly constituency) વર્ષ 2012માં નવા સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. ગોડાદરા નગરપાલિકાઓ અને ડિંડોલી, ખારવાસાની નગર પંચાયતોના જોડાણને કારણે આ બેઠકના વિસ્તાર અને વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વિસ્તારમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા ખૂબ વધારે છે એવામાં ત્યા પરપ્રાંતિયો અને રોજગારની શોધમાં બહારથી આવેલા લોકો પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ વિસ્તાર તેના વિકાસના કારણે જાણીતો છે. લિંબાયત બેઠકમાં સુરત શહેર તાલુકાના સુરત મહાનગરપાલિકા (ભાગ) વોર્ડ નં. 35, 49, 50, 51, 52નો સમાવેશ થાય છે.
મતદારો અને જાતિગત સમીકરણો
લિંબાયત વિધાનસભા બેઠક પર કુલ 2,58,729 મતદારો છે જેમાંથી સ્ત્રી મતદારો 1,12,290 છે અને પુરુષ મતદારો 1,46,433 અને અન્ય 06 મતદારો આ વિધાનસભા બેઠક પર છે. આ બેઠક પર મરાઠી લોકોનુ વધુ પ્રભુત્વ જોવા મળે છે. આ સિવાય મુસ્લિમો, ગુજરાતી, ઉત્તર ભારતીયો વગેરે પણ આ વિસ્તારમાં બહુમતી ધરાવે છે. આંકડા પર નજર કરવામાં આવે તો લિંબાયત બેઠક પર આશરે મરાઠી- 80,235, મુસ્લિમ- 76,758, ગુજરાતી- 28,290, ઉત્તર ભારતીયો- 20,795, રાજસ્થાની- 11,282, તેલુગુ- 12,220, આંધ્રપ્રદેશ- 130 મતદારો છે.
રાજકીય સમીકરણો
લિંબાયત વિધાનસભા બેઠક પર મરાઠી અને મુસ્લિમોના મત વધુ માત્રામાં જોવા મળે છે. મરાઠી સમાજના મતોનુ અહીં વિશેષ મહત્વ છે. આ વિસ્તારમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના ત્રણેયના ઉમેદવારો મરાઠી સમાજના હતા, જેના કારણે અહીં મરાઠી મતોનુ વિભાજન થયું હતું. મરાઠી સમાજના મતોના વિભાજન બાદ આ વિસ્તારમાં મુસ્લિમ મતદારો મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ભારતીય જનતા પાર્ટી માટે જ્યાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જીતવુ અઘરું હોય છે. આ બેઠક પર એનસીપી સિવાય તમામ પક્ષોએ મરાઠી ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. જો કે તેની આ રણનીતિ સફળ રહી નહોતી.
લોકોના પ્રશ્નો
આ વિસ્તારમાં પાણીની સમસ્યા સૌથી ગંભીર સમસ્યા છે. ઉનાળાના દિવસોમાં પાણીની અછત અને સતત પાણી કાપને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. અહીં પાણીનો પુરવઠો અટકી પડતા લોકોને ટેન્કર વડે પાણી ભરવાનો પણ વારો આવે છે. પાણીકાપ સિવાય આ વિસ્તારના રહિશો દ્વારા અવાર નવાર દૂષિત અને અસ્વચ્છ પાણી આવતુ હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે. આ સાથે જ બિસ્માર રોડ રસ્તાઓની સમસ્યાથી પણ પરેશાન છે.
ગત ચૂંટણીના પરિણામો
વર્ષ 2012ની ચૂંટણી પરિણામ પર નજર કરીએ તો અહીં ભાજપના સંગીતાબેન પાટિલ અને કોંગ્રેસના સુરેશ સોનવણે વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના સંગીતાબેન પાટિલનો 30,209 મતે વિજય થયો હતો અને વર્ષ 2017ની ચૂંટણી પરિણામની વાત કરીએ તો તે વખતે ભાજપ તરફથી સંગીતા પાટિલને ફરીથી મેદાને ઉતારવામાં આવ્યા હતા જેની સામે કોંગ્રેસના રવિન્દ્ર પાટિલ મેદાને હતા. આ વખતે સંગીતા પાટિલે રવિન્દ્ર પાટિલ સામે 31,951 મતોથી વિજય મેળવ્યો હતો.
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2012 સંગીતા પાટિલ ભાજપ
2017 સંગીતા પાટિલ ભાજપ