પોરબંદરમાં 59.91 ટકા મતદાન, બંને પક્ષોના જીતવાના દાવા
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)ની ૮૯ બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન ૧લી ડિસેમ્બરે યોજાયું હતું. વહેલી સવારે ૮થી સાંજે પ વાગ્યા સુધી યુવાઓ, વૃદ્ધો, મહિલાઓ સહિતના નાગરીકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. પોરબંદર (Porbandar) વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયા, ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. બન
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election)ની ૮૯ બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન ૧લી ડિસેમ્બરે યોજાયું હતું. વહેલી સવારે ૮થી સાંજે પ વાગ્યા સુધી યુવાઓ, વૃદ્ધો, મહિલાઓ સહિતના નાગરીકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. પોરબંદર (Porbandar) વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયા, ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. બન્ને પાર્ટીએ ફરી એકવખત ઉમેદવારોને રિપીટ કરતા આ વર્ષે ખરાખરીનો જંગ રહેશે. પોરબંદર-૮૩ વિધાનસભા બેઠક પર ૧૧ જેટલા ઉમેદવારો મેદાને છે.
આ ચૂંટણીમાં ઓછું મતદાન
પ્રથમ તબક્કાનું મતદાનને લઇને લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા. પોરબંદર વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવારે ભાજપ ઉપર પ્રહાર કરતા પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો ભાજપે પેજ સમિતિ તેમજ ભાજપે કરેલા વિકાસ કાર્યોને લઇને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોરબંદર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મતદાન ઓછું નોંધાયું છે. ગત વર્ષે પોરબંદર વિધાનસભા બેઠક પર કુલ 64.32 ટકા મતદાન થયું હતું જેની સામે આ વર્ષે 59.91 ટકા મતદાન નોંધાયું હતું. તો કુતિયાણા વિધાનસભા બેઠક પર ગત વર્ષે પ૮.૮૭ ટકા મતદાન થયું હતું. જેની સામે આ વર્ષે પ૬.૩૩ ટકા ટેન્ટેટીવ મતદાન નોંધાયું છે. એટલે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મતદાન ઓછું નોંધાયું છે. પરંતુ મતદારોએ કોને મત આપી વિજય બનાવ્યા છે તેનું પરિણામ ૮મી ડિસેમ્બર સ્પષ્ટ થશે.
ભાજપ પરનો ગુસ્સો મતદાનમાં દેખાયો : મોઢવાડિયા
પોરબંદર-૮૩ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે લોકોએ ખરા અર્થમાં લોકશાહીના પર્વની ઉજવણી કરી અને ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ખાસ કરીને યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉભા રહ્યાં એટલું જ નહીં કલાકો સુધી લાઇનોમાં પણ થાક્યા વગર મતદાનની રાહ જોઇ. આજે થયેલ મતદાનને જોતા ભારતીય જનતા પાર્ટી ઉપરનો ગુસ્સો છે પહેલી વખત મતદાન ઉપર મતપેટી ઉપર પ્રગટ થયો છે. કારણ કે આટલો ગુસ્સો, આટલી નારાજગી મે ક્યારેય આટલા વખતના જાહેર જીવનમાં જોઇ નથી. મને લાગે છે કે કોંગ્રેસ તરફ જે પવન ફુંકાયો છે આજે ગુજરાતની ૮૯ બેઠક ઉપર પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું તે ૮૯ બેઠક ઉપર આવો જ માહોલ રહ્યો છે અને બીજા તબક્કાનું જે મતદાન છે તેમાં પણ આજ પ્રકારની પ્રજાની બદલાયેલી માનસીકતા જોવા મળશે.
આ વર્ષે વધુ લીડથી જીતીશ : બોખીરિયા
૮૩-વિભાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરિયાએ મતદાન પુર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આમ તો અમારે ફોર્મ ભર્યું અને પ્રચારની કાર્યવાહી શરૂ કરી ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી તરફ માહોલ હતો. આજે મતદાનના દિવસે પણ સ્પષ્ટ દેખાય છે કે અમુક જગ્યાએ પ૦ ટકા તો અમુક જગ્યાએ ૬૦ ટકાએ મતદાન થયું છે. પરંતુ ગયા વખત કરતા આ વર્ષે વધારે લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા બનીશ. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પેજ સમિતિ સાથેની જે કામગીરી છે તેના લીધે મતદાન વધ્યું હશે અને ભાજપ તરફ આ મતદાન વધુ નોંધાયું હશે. કારણ પેજ સમિતિના જે સભ્યો છે તે ભાજપ કમીટેડ હતા. પોતે મતદાન કર્યુ હશે અને બીજા લોકોને પણ મતદાન કરાવ્યું હશે. જેથી દરેક બૂથ ઉપર લીડ પણ વધુ મળશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement