સંઘપ્રદેશ દમણનું દરિયા કિનારાનું સ્મશાન શા માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર
સંઘપ્રદેશ દમણ : રાજ્યના પાડોશમાં આવેલ નાનકડો સંઘપ્રદેશ દમણ અત્યાર સુધી તેના સુંદર અને રમણીય દરિયા કિનારાને કારણે દેશભરમાં પર્યટન સ્થળ તરીકે જાણીતું બન્યું હતું. દમણના દરિયા કિનારે દેશભરમાંથી મોટી સંખ્યાના પર્યટકો હરવા ફરવા માટે આવતા હતા. જોકે હવે દમણના સુંદર અને રમણીય દરિયા કિનારે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.
સંઘપ્રદેશ દમણનું મુક્તિધામ બન્યું આકર્ષણનું કેન્દ્ર
આ આકર્ષણ છે દમણમાં દરિયા કિનારે આવેલા સ્મશાન ભૂમિમાં બનાવવામાં આવેલી ભગવાન શિવજીની વિરાટ પ્રતિમા. આમ તો સામાન્ય રીતે સ્મશાન ભૂમિમાં જવામાં પણ લોકો ડરતા હોય છે પરંતુ, દમણના દરિયાકિનારે આધુનિક સુવિધાઓની સાથે વિકાસ પામેલ આ સ્મશાન ભૂમિમાં ભગવાન શિવજીની વિરાટ પ્રતિમાનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. જેથી હવે દમણના દરિયા કિનારે વિકાસ પામેલ આ મુક્તિધામ હવે પર્યટન સ્થળ તરીકે પણ પ્રવાસીઓમાં જાણીતું થઈ રહ્યું છે.
મહત્વનું છે કે, સંઘપ્રદેશ દમણ એક જાણીતું પર્યટન સ્થળ છે. આખા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવતા હોય છે. અત્યાર સુધી તો દમણ ના ઐતિહાસિક કિલ્લાઓ અને દરિયાકિનારો જ પર્યટકો માં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. જોકે હવે દમણના દરિયાકિનારે નિર્માણ પામેલ એક સ્મશાન ભૂમિ પણ અહીં આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
ભગવાન શિવજીની વિરાટ મૂર્તિ બની આકર્ષણ
સંઘપ્રદેશ દમણના દરિયા કિનારા વિસ્તારમાં મોટા પાયે થયેલા વિકાસના કામોને કારણે દમણના દરિયા કિનારાની કાયા પલટ થઈ છે. ખાસ કરીને દમણના દરિયા કિનારે બનેલ સી ફેસ રોડ, નમો પથ અને રામસેતુ ના કારણે દમણનો દરિયા કિનારો હવે વિદેશના દરિયા કિનારાને પણ ટક્કર મારે એટલો સુંદર લાગી રહ્યો છે. આમ તો દેશભરમાંથી ફરવા માટે આવતા પર્યટકોને દમણનો દરિયા કિનારો જ આકર્ષતો હતો.
જોકે હવે દરિયા કિનારે નિર્માણ પામેલ આ સ્મશાન ભૂમિ પણ દમણમાં ફરવા આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. કારણકે દમણના દરિયા કિનારે આવેલ આ મુક્તિધામ માં ભગવાન શિવજીની વિરાટ મૂર્તિ બનાવવામાં આવી છે.
પ્રતિમાને બનાવવામાં 6 મહિનાથી વધુનો સમય લાગ્યો
સવા કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી આ પ્રતિમાને બનાવવામાં 6 મહિનાથી વધુનો સમય લાગ્યો હતો.15 ફૂટ ના ફાઉન્ડેશન પર 51 ફૂટ ઊંચી અને ધ્યાન મુદ્રામાં બેસેલી ભગવાન શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે આ પ્રતિમા ફાઇબર ગ્લાસ અને સ્ટીલ નો ઉપયોગ કરી બનાવવામાં આવી છે.
તેમજ ભગવાન શિવજીની પ્રતિમા નીચે બનાવેલ ફાઉન્ડેશનમાં એસી હોલ ની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. સાથેજ સ્મશાન ભૂમિ ને પણ આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવી છે સ્મશાન ભૂમિમાં ગેસ આધારિત સગડીની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ સ્મશાન ભૂમિમાં સી સી ટી વી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેના થકી ઓનલાઈન સ્ટ્રીમિંગ પણ કરવામાં આવે છે જેથી દમણ કે દમણ બહાર વિદેશમાં સ્થાઈ થયેલા પરિવારો પણ પોતાના સ્વજનોની અંતિમવિધિ નિહાળી શકે છે.
પહેલા સ્મશાન ભૂમિમાં આવતા લોકો ડર અનુભવતા
આ સાથેજ ટ્રસ્ટ દ્વારા સ્મશાન ભૂમિમાં એક સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે. ત્યારે હવે દમણના દરિયા કિનારે આવતા પર્યટકો સ્મશાન ભૂમિમાં બનેલી ભગવાન શિવજીની વિશાળ પ્રતિમાથી આકર્ષાઈ અને સ્મશાન ભૂમિમાં આવતા થયા છે.
આ સ્મશાન ભૂમિ અગાઉ વેરાન હતી આજુબાજુ જંગલ ઝાળી હતા દિવસે પણ સ્મશાન ભૂમિમાં આવતા લોકો ડર અનુભવતા હતા. જોકે હવે મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોની સાથે અને સરકારના સહયોગથી આ સ્મશાન ભૂમિનો વિકાસ કરવામાં આવ્યો છે. આ સાથેજ સ્મશાન માં ભગવાન શિવજીની વિરાટ પ્રતિમાનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. જેને લઈ હવે દમણમાં આવતા પ્રવાસીઓની સાથે સ્થાનિકો પણ ભગવાન શિવજીની વિરાટ પ્રતિમા જોઈ આકર્ષિત થઈ રહ્યા છે અને સ્મશાનભૂમિમાં આવી અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આમ હવે દમણનું આ મુક્તિધામ પર્યટન સ્થળની સાથે અહીં આવતા લોકોમાં આસ્થા નું પણ કેન્દ્ર બની રહ્યું છે.
આમ દમણના દરિયાકિનારે વિકાસ પામેલ આ સ્મશાન ભૂમિમાં ભગવાન શિવજીની ધ્યાન મુદ્રામાં બેસેલી આ પ્રતિમાની સાથે સાથે સ્મશાન ભૂમિમાં બનાવેલ ગાર્ડન પર્યટકોને આકર્ષી રહ્યું છે. ત્યારે અત્યાર સુધી જે પર્યટકો દમણના દરિયા કિનારે અને ઐતિહાસિક સ્થળો પર ફરવા આવતા હતા તે પર્યટકોમાં હવે આ એક નવું આકર્ષણ ઊભું થયું છે. અને દમણમાં ફરવા આવતા પર્યટકો પોતાના પરિવાર સાથે સ્મશાન ભૂમિમાં પણ જઈ રહ્યા છે. આમ દમણના દરિયાકિનારે વિકાસ પામેલ આ સ્મશાન ભૂમિ હવે પર્યટકોમાં આસ્થાનું પણ કેન્દ્ર બની રહ્યું છે.
અહેવાલ - રિતેશ પટેલ
આ પણ વાંચો -- CM ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ ડબલ ડેકર AC બસનું લોકાર્પણ કર્યું