VADODARA : પાલિકાના બજેટ આંકને વટાવતુ પાણીનું બિલ, સરકાર પાસેથી મોટી આશા
VADODARA : વડોદરા (VADODARA) પાલિકા દ્વારા આજવા સરોવર સિવાય મહીસાગર નદીમાંથી પાણી ખરીદીને લોકોને આપવું પડી રહ્યું છે. પાનમ યોજના અંતર્ગત મહીસાગર નદીમાંથી લેવાયેલા પાણીનું સિંચાઇ વિભાગ દ્વારા રૂ. 4,586 કરોડનું બીલ પાલિકાને પકડાવવામાં આવ્યું છે. જેની વિગતો સપાટી પર આવતા જ હાહાકાર મચી જવા પામ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 થી પાલિકા દર ત્રણ મહિને રૂ. 1 કરોડની ચૂકવણી કરી રહી છે. તો બીજી તરફ પાલિકાના સત્તાધીશો દ્વારા આ બીલની માફી માટે રજુઆત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
બીલ સપ્ટેમ્બર - 2024 માં ફટકારવામાં આવ્યું છે
વડોદરા પાસે પાણીના સ્ત્રોત તરીકે આજવા સરોવર આવેલું છે. જેમાંથી પાલિકા રોજ 150 એમએલડી પાણી મેળવી રહ્યું છે. જેનાથી પૂર્વ વિસ્તારના 8 લાખ લોકોને પાણી પહોંચાડવામાં આવીર હ્યું છે. આ સાથે મહીસાગર નદીમાંથી અલગ-અલગ ફ્રેન્ચવેલ મારફતે પાલિકા 400 એમએલડી જેટલું પાણી મેળવીને લોકો સુધી પહોંચાડે છે. જેનું રૂ. 4,586 કરોડનું બીલ સપ્ટેમ્બર - 2024 માં ફટકારવામાં આવ્યું છે. જેની ચોંકાવનારી વિગતો સપાટી પર આવતા જ હાહાકાર મચી જવા પામ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ બિલની સરખામણી કરીએ તો પાલિકાના બજેટ કરતા પણ વધારે થઇ જાય તેટલી છે.
આ મામલાની રજુઆત સરકારમાં પેન્ડિંગ
ડે. મેયર ચિરાગ બારોટે મીડિયાને જણાવ્યું કે, પાણીના બિલ મામલે અગાઉ પણ સરકારને રજુઆત કરી હતી. અને હવે ફરી રજુઆત કરીશું કે આ બીલ માફ કરી દેવામાં આવે. આ મામલે પાણી પુરવઠા વિભાગના સક્ષમ અધિકારીએ મીડિયાને કહ્યું કે, આ મામલાની રજુઆત સરકારમાં પેન્ડિંગ છે. સરકારમાં આ મામલે રજુઆત કરવામાં આવેલી છે. જ્યારે પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ મીડિયાને જણાવ્યું કે, સરકાર પાસેથી વડોદરા પાલિકાએ કરોડો રૂપિયા લેવાના બાકી નિકળે છે. તે કેમ નથી આપતા ?
આ પણ વાંચો -- VADODARA : વડોદરાવાસીઓના વર્ષોના ઇંતેજારનો અંત નજીક