VADODARA : 5 હજાર ઘરોના ડ્રેનેજના પાણીનો નદીમાં નિકાલ, વિશ્વિમિત્રી શુદ્ધિકરણની વાતો હવામાં
VADODARA : વડોદરા (VADODARA) માં વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) ના શુદ્ધિકરણની વાતો ચાલી રહી છે. આ વચ્ચે અત્યંત ચોંકાવનારી વિગતો સપાટી પર આવી રહી છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 5 હજાર ઘરોનું ડ્રેનેજનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, ડ્રેનેજ બેસી જવાથી વોર્ડ કચેરી દ્વારા આ વચગાળાનો રસ્તો ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આમ, પાલિકા દ્વારા વિશ્વામિત્રી રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું સ્વપ્ન બતાવીને તેનાથી તદ્દન વિપરીત કામો કરવામાં આવતું હોવાનું હવે ખુલ્લુ પડ્યું છે.
પાલિકાના ડબલ સ્ટાન્ડર્ડ ખુલ્લા પડ્યા
વડોદરામાં માનવસર્જિત પૂર બાદ વિશ્વામિત્રી નદીને રીડેવલોપ કરવા માટે સરકાર રૂ. 1200 કરોડ આપનાર હોવાનું સામે આવ્યું હતું. તે તકનો લાભ લઇને આગળ વધવાની જગ્યાએ વડોદરા પાલિકા વિપરીત દિશામાં કામ કરી રહી હોવાનું હાલ જોવા મળી રહ્યું છે. વડોદરામાં અકોટા, દરજીપુરા, સમા, ભીમનાથ અને વડસર વિસ્તારમાં 5 હજાર ઘરોનું મળીને રોજનું 30 લાખ લિટર ડ્રેનેજનું ગંદુ પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે પાલિકાના ડબલ સ્ટાન્ડર્ડ ખુલ્લા પડ્યા છે.
કામચલાઉ ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે
શહેરના પરશુરામ નગર-અકોટા, હરણી રોડ-દરજીપુરા, કુંભારવાડા-સમા, પારસી અગિયારી- ભીમનાથ અને ભૂખી કાંસ-વડસર ખાતેથી આ ડ્રેનેજના પાણીને વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવી રહ્યા છે. પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરામાં માનવસર્જિત પૂર બાદ વોર્ડ નં - 3 માં આવતી રેસીડેન્સી ગ્રીનલેન્ડ તરફ જતી ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે હાલ હંગામી કામચલાઉ ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સુત્રોએ તેમ પણ જણાવ્યું કે, પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને સજીવન કરવા ગટરના પાણી ઠલવાતા 21 પૈકી 16 સ્પોટ બંધ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : ડોઢ કરોડની કાર આગમાં ખાખ થઇ, પોલીસ તપાસ શરૂ