VADODARA : પાલિકાની કચેરી પાસેનું ગેરકાયદેસર બાંધકામ મોડે મોડે ધ્યાને આવ્યું
VADODARA : વડોદરા (VADODARA) ના સંગમ ચાર રસ્તા પાસે આવેલી પાલિકાના વોર્ડ નં - 4 ની કચેરીની બાજુમાં ગેરકાયદેસર બાંધકામ કરી ચાર માળની બિલ્ડીંગ ઉભી કરી દેવામાં આવી હતી. જે મોડે મોડે તંત્રના ધ્યાને આવતા તેને તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાના સત્તાધીશોનો જે રસ્તો રોજ અવર-જવર હોય ત્યાં આટલી મોટી બિલ્ડીંગ ઉભી થતા સુધી કોઇને જાણ સુદ્ધાં ન થાય તે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારની ઢીલાશ અન્ય ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ન થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ચાર માળની બિલ્ડીંગ ઉભી કરી દેવામાં આવી
સ્માર્ટ સિટી વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા નાના દબાણો દુર કરવામાં બળ પ્રયોગ કરતા પણ ખચકાતું નથી. પહેલાથી જ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. પરંતુ મસમોટા દબાણો મોડા મોડા પાલિકા તંત્રના ધ્યાને આવે છે. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે. શહેરના સંગમ ચાર રસ્તા ખાતે આવેલી વોર્ડ નંબર 4 ની કચેરીની બાજુમાં ગેરકાયદેસર બાંધકામ કરી ચાર માળની બિલ્ડીંગ ઉભી કરી દેવામાં આવી હતી. જેને તોડવાનું કામ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
મોટા અધિકારીનો ફોન આવતા કામગીરી રોકી
સમગ્ર મામલે શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું કે, કોર્પોરેશનની કચેરી દ્વારા આ બિલ્ડર સાથે મસ મોટો વહીવટ કરીને આ પ્રકારના દબાણો કરવા દેવામાં આવતા હોય છે. તાજેતરમાં પણ જ્યારે પાલિકા દ્વારા આ બિલ્ડિંગને તોડવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે કોર્પોરેશનના જ મોટા અધિકારીનો ફોન આવતા કામગીરી રોકી ફક્ત બિલ્ડીંગને સીલ કરી દબાણ શાખાની ટીમ અને TDO ની ટીમ પરત ફરી ગઈ હતી.
અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવશે
જો આ જ રીતે મોટા બિલ્ડરોને અધિકારીઓ દ્વારા બચાવવામાં આવતા હોય તો કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ગરીબ લોકોના ઝુંપડા ઉપર અને ધંધા ઉપર તરાપ કેમ મારતા હોય છે એ પણ એક મોટો સવાલ છે વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો આ દબાણને તોડવામાં નહીં આવ્યું તો આવનાર દિવસોમાં પાલિકાની વડી કચેરીએ જઈ અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : સસ્તા મોબાઇલ રીચાર્જના નામે ઠગાઇની માયાજાળ