VADODARA : ડે. મેયરની ઓફીસ પાસે ભૂવો પડ્યો
VADODARA : હાલ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે પણ વડોદરા પાલિકા (VADODARA VMC) ના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી બેદરકારીના નમુના સામે આવી રહ્યા છે. આ વખતે વડોદરા પાલિકાના ડેપ્યુટી મેયર (DEPUTY MAYOR - VADODARA, VMC) ચિરાગ બારોટની ઓફીસ પાસે રસ્તા પર ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. પહેલા માત્ર ચોમાસામાં ભૂવા પડતા હતા, હવે તો કોઇ પણ રૂતુ હોય ભૂવા પડવાની ઘટના દિવસેને દિવસે સામાન્ય બનતી જાય છે. જો કે, હાલ પાલિકામાં મીની વેકેશન હોવાના કારણે આ ભૂવાનું મરામત કાર્ય થવા માટે વાટ જોવી પડશે.
હવે તેની અસર અન્ય રૂતુઓમાં પણ વર્તાય છે
વડોદરામાં ખાસ કરીને ચોમાસાની રૂતુમાં એટલા ભૂવા પડે છે કે, એક તબક્કે લોકો તેને ભૂવા નગરી તરીકે પણ સંબોધતા ખચકાતા નથી. પરંતુ હવે ભૂવાઓ માત્ર ચોમાસામાં જ પડે તેવું રહ્યું નથી. ભૂવા પડવાની શરૂઆત ચોક્કસ ચોમાસામાં થઇ હતી. પરંતુ હવે તેની અસર અન્ય રૂતુઓમાં પણ વર્તાય છે. આ વખતે પાલિકાના વજનદાર નેતા, અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ઓફીસ પાસે ભૂવો પડ્યો છે. હાલ ભૂવાની ફરતે આડાશ કરીને મુકી રાખવામાં આવી છે. પરંતુ વગર વરસાદે પડેલા ભૂવાએ ફરી એક વખત ચર્ચા જગાવી છે.
કારનું ટાયર આસાનીથી ખૂંપી જાય તેટલો મોટો ભૂવો પડ્યો
પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ રેસકોર્ષ વિસ્તારમાં પોતાની ઓફીસ ધરાવે છે. આ ઓફીસ નજીક જ કારનું ટાયર આસાનીથી ખૂંપી જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે. આ રસ્તા પર લોકોની અવર-જવર વધારે હોવાના કારણે ભૂવા ફરતે હાલ પુરતી આડાશ કરી દેવામાં આવી છે. પરંતુ આ ભૂવાનું રીપેરીંગ કાર્ય થવા માટે વાટ જોવી પડી શકે છે. હાલ પાલિકામાં મીની વેકેશન હોવાના કારણે ઓફીસો ખુલ્યા બાદ જ આ કાર્ય થઇ શકશે. તો બીજી તરફ આ ભૂવો ડે. મેયરની ઓફીસ પાસે પડ્યો હોવાથી તે કેટલા દિવસમાં રીપેર થાય છે તેના પર લોકોની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : પાલિકાના પ્લોટમાં પડેલા કચરામાં આગ લાગતા ઉત્તેજના