VADODARA : મ્યુનિસિપલ કમિશનર અને આગેવાન વચ્ચે ભારે તું તું મેં મેં
VADODARA : વડોદરા (VADODARA) મહાનગર પાલિકા (VADODARA - VMC) ના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કર્મચારી આગેવાન વચ્ચે ચેમ્બરમાં જ ઉગ્ર ચાલી થઈ હતી. કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઇને આગેવાન રજૂઆત કરવા માટે આવ્યા હતા. દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનામાં કર્મચારી આગેવાન હાવી થવા જતા કમિશનર પોતાનો આક્રોશ રોકી શક્યા ન્હતા. પરિણામે મામલો ઉગ્ર બની ગયો હતો. આ તકે કેટલાક સમય સુધી પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર, ચેરમેન તથા અન્ય પદાધિકારીઓએ તમાશો જોયો હતો. બાદમાં વચ્ચે પડીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
ઉંચા અવાજે બોલવાનું શરૂ કર્યું
પાલિકાના વ્હીકલ પુલમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને કર્મચારી આગેવાન અશ્વિન સોલંકી મોરચો લઈને પાલિકા કમિશનરને મળવા માટે આવી પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે આ પ્રશ્નોનું દિવાળી સુધીમાં નિવેડો કરવાનું જણાવતા કર્મચારી આગેવાના હાવભાવ એકદમ બદલાઇ ગયા હતા. અને મ્યુનિસિપલ કમિશનર સાથે તેમની જ ચેમ્બરમાં એકદમ ઉંચા અવાજે બોલવાનું શરૂ કર્યું હતું.
સન્નાટો છવાઈ ગયો
પાલિકા કમિશનર દિલીપ રાણાથી કર્મચારી આગેવાનનું આ વર્તન સહન ન થતા, તેઓ પોતાનો આક્રોશ કાબુમાં રાખી શક્યા ન્હતા. અને કર્મચારી આગેવાનને તેની જ ભાષામાં સમજાવવા ચર્ચામાં ઉતરી પડ્યા હતા. જોતજોતામાં બંને વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચાને પગલે કમિશનરની ચેમ્બરમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ તકે અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચેમ્બરમાં હાજર હતા.
વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કર્મચારી આગેવાન વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી સમયે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, સ્થાયી સમિતિના સભ્યો બંદીશ શાહ, હેમિષા ઠક્કર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. મામલો ઉગ્ર બનતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ આગામી 3 સપ્ટેમ્બરના રોજ બેઠક કરીને કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની હૈયા ધારણ આપતા મામલો થાળે પડ્યો હતો. આ ઘટના બાદ પાલિકાના કમિશનર અને કર્મચારીઓના આગેવાન વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો હતો.
આ પણ વાંચો -- Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે