VADODARA : પાલિકાના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે તમામ કોર્પોરેટરો એકસૂર
VADODARA : વડોદરા પાલિકા (VADODARA VMC) માં ગતરોજ સભા મળી હતી. જેમાં અધિકારીઓ કામ નહીં કરતા હોવાની વાતને લઇને મોટાભાગના કોર્પોરેટરો એકસૂર થયા હતા. આ તકે પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડે અધિકારીઓની નિષ્ક્રિયતાને લઇને ગંભીર સવાલો મીડિયા સમક્ષ ઉઠાવ્યા હતા.
નિર્ણયો લઇને કામ કરાવવાના છે, તે થતું નથી
પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડે જણાવ્યું કે, જે પ્રમાણે તમે પરિસ્થિતી જોઇ રહ્યા છો. કોર્પોરેટરોએ સભામાં કામ ના થતા હોવાની રજુઆત કરી છે. તેમના લીધે મારે બોલવું પડ્યું, જે અધિકારીઓ એસી કેબિનમાં બેસે છે, તેઓ ફિલ્ડમાં નિકળે, જે કોર્પોરેટર છે, જેમને અધિકારીના લીધે સાંભળવાનું આવે છે. જે અધિકારીઓએ કામ કરવાનું આવે છે, તે નથી કરતા, હું ચોક્કસથી કહીશ લોકો ફિલ્ડમાં કામ કરે છે, જે પાલિકા ચાલે છે તેમના લીધે જ ચાલે છે. જે એસી કેબિનમાં બેઠા છે, તેમણે નિર્ણયો લઇને કામ કરાવવાના છે, તે થતું નથી. દરેક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ચાલે છે.
આ બધાની વચ્ચે મરો કોર્પોરેટરનો થાય છે
વધુમાં તેમણે ઉમેર્યું કે, મારા વિસ્તારમાં લાલ બાગ ટાંકી તોડી ત્યારે તેમની પાસે લાલબાગ, માંજલપુર અને દંતેશ્વર વિસ્તારમાં પાણીનું વિતરણ કઇ રીતે કરશે, તેનું કોઇ પ્લાનીંગ ના કરી શક્યા. આખી દિવાળી અમારે સાંભળવું પડ્યું છે. પાણીનો કોઇ ટાઇમ કે પ્લાનીંગ નથી. તો આ બધાની વચ્ચે મરો કોર્પોરેટરનો થાય છે. સભામાં બધા જ બોલ્યા છે, અધિકારીઓ તેમને જવાબ સુદ્ધાં આપતા નથી. કમિશનરે એક્શન લેવું જોઇએ તેવી માંગ કરી છે.
લોકોને કેશ ડોલ સહિત કોઈ સહાય આપવામાં આવી નથી
સામાન્ય સભાની શરુઆતમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરથી શહેરીજનોને થયેલા નુકસાનના વળતરરૂપે વર્તમાન વર્ષનો વેરો માફ કરવા માટેની દરખાસ્ત મૂકી હતી. વિપક્ષની દરખાસ્ત સામે સભા અધ્યક્ષે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવા જણાવ્યું હતું. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સભામાં રજૂ કરેલી દરખાસ્ત અંગે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે લોકોને કેશ ડોલ સહિત કોઈ સહાય આપવામાં આવી નથી. આજે પણ અનેક લોકોને સહાય મળી નથી. લોકોને પારાવાર નુકસાન થયું છે. આથી લોકોને રાહત થાય તે માટે આ વર્ષનો વેરો માફ કરવામાં આવે.
આ પણ વાંચો -- VADODARA : તત્કાલિન DCP સહિત પાંચ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ