VADODARA : કુબેર ભંડારી મંદિર દર્શને જતા શ્રદ્ધાળુઓની કારનો અકસ્માત
VADODARA : આજે સોમવતી અમાસ છે, અને પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. આજરોજ વડોદરા (VADODARA) પાસે આવેલા વાઘોડિયાના ગંભા ગામે રહેતા રહીશો કારમાં વિશ્વવિખ્યાત કુબેર ભંડારી મહાદેવજીના દર્શને જવા નિકળ્યા હતા. દરમિયાન તરસાના ચોકડી પાસે કારને અકસ્માત નડ્યો હતો. જેમાં ઇકો કાર પલટી ગઇ હતી. આ અકસ્માતમાં 8 મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. આ મામલાની જાણ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. અને ઇજાગ્રસ્ત મહિલાઓને મદદરૂપ થવાના પ્રયાસો કર્યા હતા.
ગંભા ગામના રહીશો કારમાં બેસીને દાદાના દર્શન કરવા માટે નિકળ્યા
વડોદરા પાસે ડભોઇ (DABHOI) ના કરનાળી (KARNALI) માં આવેલ કુબેર ભંડારી (KUBER BHANDARI) મહાદેવજીના અમાસના દિવસે દર્શન કરવાનું અનોખું મહત્વ છે. અહિંયા અમાસના દિવસે મોટો મેળો ભરાયો હોય તેવો માહોલ જોવા મળે છે. આજે પવિત્ર શ્રાવણ માસનો પાંચમો અને અંતિમ સોમવાર છે, અને સાથે જ અમાવસ્યા છે. તે નિમિત્તે વાઘોડિયાના ગંભા ગામના રહીશો કારમાં બેસીને કુબેર ભંડારી દાદાના દર્શન કરવા માટે નિકળ્યા હતા.
ધડાકાભેર કાર ભટકાતા આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા
શ્રદ્ધાળુઓ ભરેલી કારને તરસાના ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં શ્રદ્ધાળુઓ લઇ જતી ઇકો કાર પલટી ગઇ હતી. અને અંદર બેઠેલા તમામ ઇજાગ્રસ્ત થયા હતા. શ્રદ્ધાળુઓની કાર ધડાકાભેર અન્ય કાર સાથે ભટકાતા આસપાસના લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં 8 મહિલાઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.
ઘટનાને પગલે રોડ પર હળવો ટ્રાફીક જામ થયો
ઇજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બંને કારને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઘટનાને પગલે રોડ પર હળવો ટ્રાફીક જામ થયો હતો. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા ટીમો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. અને સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : રાજ્ય અને પંચાયત હસ્તકના 50 રસ્તાઓ પૂર્વવત કરાયા