VADODARA : સમા-સાવલી રોડ પરની પિત્ઝા શોપ આગની લપેટમાં આવી
VADODARA : વડોદરા (VADODARA) ના સમા-સાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ એનેક્સ બિલ્ડીંગના બીજા માળે આવેલા TRIGNO PIZZA માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેને પગલે ચાર જેટલા ફાયર ફાયટરોએ સ્થળ પર ઘસી જઇને આગ પર કાબુ મેળવ્યો છે. આગ સમયે કોમ્પલેક્ષની ફાયર સિસ્સમ બંધ હાલતમાં હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. પિત્ઝા શોપની ઉપર મહિલાઓની હોસ્પિટલ અને નીચેના ભાગે ફરસાણની શોપ હતી. આ ઘટનામાં પિત્ઝા શોપનો ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા આગનું કારણ શોધવા સહિતની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું
વડોદરામાં જાહેર કોમ્પલેક્ષમાં લોકોની સુરક્ષા સામે ગંભીર બેદરકારી સામે આવી છે. વડોદરાના સમા સાવલી રોડ પર આવેલા સિદ્ધાર્થ એનેક્સ કોમ્પલેક્ષના બીજા માળે TRIGNO PIZZA આવેલું છે. જેમાં આજે સવારે ભીષણ આગની ઘટના સામે આવી છે. આ આગમાં એક તરફથી આખુ પિત્ઝા શોપ આગની લપટોમાં આવી ગયેલું જોવા મળ્યું હતું. જેને પગલે સવાર-સવારમાં વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટના અંગે જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું.
સમયસર આગ કાબુમાં આવી જતા તમામે રાહતનો શ્વાસ લીધો
ચાર જેટલા ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આ પિત્ઝા શોપના ઉપરના ભાગે મહિલાઓની હોસ્પિટલ આવેલી છે. અને નીચેના ભાગે મોટી ફરસાણ શોપ આવેલી છે. આગને પગલે બંને જગ્યાના સંચાલકો પણ ચિંતામાં મુકાયા હતા. જો કે, સમયસર આગ કાબુમાં આવી જતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
માત્ર નોટીસ પાઠવીને તંત્ર કાર્યવાહી કર્યાનો સંતોષ તંત્ર ના માણે
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના સમયે કોમ્પલેક્ષની ફાયર સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઇ હતી. ફાયર જવાનોએ બંબામાંથી પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં કરી હતી. ઘટના બાદ લોકમાંગ ઉઠવા પામી છે કે, આ પ્રકારની બેદરકારી દાખવતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. માત્ર નોટીસ પાઠવીને તંત્ર કાર્યવાહી કર્યાનો સંતોષ ના માણે અને નક્કર પગલાં લે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો -- VADODARA : આવાસના મકાનમાં રહેતા લોકોને પાણી માટે વલખા, થાળી વગાડી વિરોધ