VADODARA : "દુક્કી અને તીરી...", રીક્ષામાં બેઠેલા શખ્સનો સંવાદ વાયરલ
VADODARA : વડોદરા (VADODARA) ના સોશિયલ મીડિયા (SOCIAL MEDIA CIRCLE) સર્કલમાં એક વીડિયો વાયરલ (VIDEO VIRAL) થઇ રહ્યો છે. જેમાં એક શખ્સ રીક્ષામાં બેઠો છે, અને તેના હાથમાં મોબાઇલ છે. તેની પાસે એક શખ્સ આવીને કહે છે કે, મારી દુક્કી અને તીરી લખો. બાદમાં રૂ. 50 પણ જણાવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ શ્રાવણીયો જુગાર ડિજીટલ થયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. શહેરના કારેલીબાગ વિસ્તારનો આ વીડિયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. જો જુગાર આ રીતે રીક્ષામાં રમાડાશે, તો શહેર પોલીસ માટે હરતા-ફરતા રમાતા જુગારધામને પકડવું નવો પડકાર હશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં સપાટી પર આવ્યા બાદ પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
મોબાઇલમાં જોઇને પૈસા અને આંક ની ખરાઇ
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં ઉપવાસ, વ્રત, જપ અને તપનું અનોખું મહત્વ છે. તો બીજી તરફ શ્રાવણ માસમાં જુગાર પણ મોટા પાયે રમાતો હોય છે, અને પોલીસ કાર્યવાહીમાં પકડાતો પણ હોય છે. તેવામાં જુગારીયાઓ માટે નવી ડિજીટલ વ્યવસ્થા ચાલી રહી હોવાની પ્રતિતિ કરાવતો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થવા પામ્યો છે. આ વીડિયોમાં જોવા મળ્યા અનુસાર, એક શખ્સ રીક્ષામાં બેઠો છે. અને તેના હાથમાં સ્માર્ટ ફોન છે. બહારથી એક વ્યક્તિ તેની પાસે આવીને જણાવે છે કે, મારી દુક્કી અને તીરી લખો. બાદમાં રૂ. 50 ને લઇને વાતો થાય છે. અન્ય એક શખ્સ ડ્રાઇવર સીટ પર મુકેલા મોબાઇલમાં જોઇને પૈસા અને આંક ની ખરાઇ કરે છે.
પોલીસ માટે નવો પડકાર
બાદમાં બંને મોબાઇલમાં કંઇ કરવાનું જારી રાખે છે. આ દરમિયાન પાછળથી એક શખ્સ બોલતો જણાય છે કે, માઇનસમાં કેવી રીતે ગયો. આ સંવાદ પ્રાથમિક રીતે રીક્ષામાં ડિજીટલ આંક ફરકનો જુગાર રમાડતા હોવા તરફ પ્રબળ ઇશારો કરી રહ્યો છે. શ્રાવણ માસમાં અવાવરૂ જગ્યાએ, મકાન-દુકાનમાં જુગાર રમાતો હોવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ આ વીડિયોમાં તો લોકોની આસપાસમાં હાજરી વચ્ચે રીક્ષામાં આ પ્રકારનું કામ થઇ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આ રીતે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પકડવી, અને તેને રોકવી પોલીસ માટે પડકારજનક હોઇ શકે છે. પ્રાથમિક અંદાજા અનુસાર આ વીડિયો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારનો હોઇ શકે છે.
માથાનો દુખાવો બને તો નવાઇ નહીં
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ કેટલા સમયમાં અને શું કાર્યવાહી હાથ ધરે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. ડિજીટલ જુગાર પોલીસ માટે આવનાર સમયમાં માથાનો દુખાવો બને તો નવાઇ નહીં.
આ પણ વાંચો -- VADODARA : ગ્રાહક બની આવેલા ગઠિયાનો જ્વેલરી શોપમાં લાખોનો હાથફેરો