VADODARA : પાલિકાના વાહનોમાંથી ડીઝલ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપતી SOG પોલીસ
VADODARA : વડોદરા (VADODARA) સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG POLICE) ના જવાનો ગુનાખોરી ડામવા માટે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, ફતેપુરા રોડ. ભાટીયા પેટ્રોલ પંપ પાછળ કટારીયા ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન પાસે દિવાલોની આડમાં પાલિકાના જેટીંગ મશીનમાંથી ડ્રાઇવર આરીફ કાદરી ડીઝલ ટેંકમાંથી મળતીયાઓ સાથે મળીને ચોરી કરી રહ્યો છે. બાતમીના આધારે રેડ કરવામાં આવતા પાલિકાના જેટ મશીનની પેટ્રોલ ટેંકમાં પાઇપ મુકીને બીજો છેડો કારબામાં મુકીને ચોરી કરવામાં આવતું હતું. એસઓજીની રેડમાં તમામ રંગેહાથ પકડાઇ ગયા હતા.
એક વખતમાં 40 લિટર જેટલું ડીઝલ કાઢવામાં આવતું હતું
બાદમાં તમામની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળના ડ્રાઇવર આરીફઅલી કાદરીએ જણાવ્યું કે, આ જેટ મશીન પાલિકાનું છે. તે બાલાજી સિક્ટોરીટીની કોન્ટ્રાક્ટમાં છેલ્લા એક વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરી છે. અગાઉ બીજા કોન્ટ્રાક્ટ હેઠળ 7 વર્ષ સુધી વડોદરા પાલિકામાં નોકરી કરી છે. તે દર બે મહિનાથી દર ત્રીજા દિવસે મહોલ્લામાં રહેતા હસમનીયા ઇસુબમીયા શેખ સાથે મળીને મશીન અહિંયા લાવતા હતા. અને પાઇપ મુકીને તેમાંથી કારબામાં ડીઝલ કાઢી આપે છે. એક વખતમાં 40 લિટર જેટલું ડીઝલ કાઢવામાં આવતું હતું. તેને પ્રતિ લિટર રૂ. 60 ના ભાવે વેચવામાં આવતું હતું.
વિવિધ વાહનો અને ડીઝલ મળીને રૂ. 18.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
બાદમાં એફએસએલમાં નમુનાને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યવાહીમાં આરીફઅલી આસીફઅલી કાદરી (રહે. આફરીન ફ્લેટની બાજુમાં, યાકુતપુરા, વડોદરા) અને હસનમીયાં ઇસુબમીયા શેખ (રહે. મનીનારા કોમ્પલેક્ષ, સરસીયા તળાવ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વિવિધ વાહનો અને ડીઝલ મળીને રૂ. 18.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમ, વડોદરાની એસઓજી પોલીસ દ્વારા લોકોના ટેક્સ રૂપે ભરેલા નાણાંનો વેડફાટ અટકાવ્યો હતો. આ કાર્યવાહીને પગલે પાલિકાની ટીમો ઘોર નિંદ્રામાં હોવાનું પણ સપાટી પર આવવા પામ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ફટાકડા ફોડતા લાગેલી ભીષણ આગ મામલે પોલીસ ફરિયાદ