VADODARA : વિદ્યાર્થીઓને લઇ જતી બસ પાણી ભરેલા નાળામાં ઠપ થઇ ગઇ
VADODARA : ગતરોજ દેશમાં 78 માં સ્વાતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત શાળા- કોલેજોમાં પણ ધ્વજવંદનના અસંખ્ય કાર્યક્રમો યોજાયા હતા. વડોદરા પાસે આવેલા સાવલી તાલુકાના ખોખર પાસે ધ્વજ વંદનના કાર્યક્રમમાં સ્કૂલ બસમાં જવા માટે નીકળેલા વિદ્યાર્થીઓની સ્કૂલ પાણી ભરેલા ગરનાળામાં ઠપ થઇ ગઇ હતી. જેને પગલે વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે, વાતની જાણ થતા સ્થાનિકો દોડી ગયા હતા. અને વિદ્યાર્થીઓને રેસ્ક્યૂૂ કરીને ભયમુક્ત કરવામાં આવ્યા હતા.
સ્કૂલ બસમાં સવાર થઈને શાળાએ જવા માટે નીકળ્યા
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલી તાલુકાના ખોખર સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓ નજીકમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરે છે. ગતરોજ સ્વાતંત્ર દિન નિમિત્તે વિવિધ શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. ધ્વજ વંદનના કાર્યક્રમો ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં સવાર થઈને શાળાએ જવા માટે નીકળ્યા હતા.
વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા
પરંતુ વિવિધ ગામોમાંથી વિદ્યાર્થીઓને લઈને સંબંધિત સ્કૂલમાં જઈ રહેલી સ્કૂલ બસ ખોખર ગામ પાસેના પાણી ભરેલા ગરનાળામાં ફસાઈ ગઈ હતી. જેને પગલે વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટના અંગેની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. અને પાણી ભરેલા ગરનાળામાં ફસાઈ ગયેલી બસમાં સવાર વિદ્યાર્થીઓને સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢી ભયમુક્ત કરવામાં આવ્યા હતા.
યાંત્રિક ખામી સર્જાતા ઠપ થઈ ગઈ
સુત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને લઇ જતી બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતા જ એકાએક યાંત્રિક ખામી સર્જાતા ઠપ થઈ ગઈ હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે ઉત્સાહભેર જતા વિદ્યાર્થીઓની બસ પાણી ભરેલા ગરનાળામાં ફસાઈ જવાના કારણે તમામ એક તબક્કે ગભરાઈ ગયા હતા. જો કે, સમયસર રેસ્ક્યૂ થઇ જવાના કારણે તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો -- VADODARA : 29 હજાર મેટ્રીક ટન રેતીનું ગેરકાયદેસર ખનન બાદ તંત્ર જાગ્યું