VADODARA : BJP MLA ના કાર્યાલયને ISO સર્ટિફિકેટ એનાયત
VADODARA : વડોદરા (VADODARA) ના સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા (BJP MLA KEYUR ROKADIYA) ની ‘નારાયણ સેવા કાર્યાલય’ને ISO 9001:2015 સર્ટિફિકેટ મળ્યું છે. તાજેતરમાં બીએસસીઆઈસીના અધિકારી દ્વારા ધારસભ્યને આ સર્ટીફિકેટ અપાયું હતું. એક વર્ષના કાર્યાલયની કાર્યરીતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા ઓગસ્ટ 2024 થી ઓગસ્ટ 2027 સુધી આ સર્ટિફિકેટ એનાયત કરાયું છે.
ઉદ્ધાટન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું
વડોદરાના સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુરભાઇ રોકડિયા દ્વારા નારાયણ સેવા કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ધાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ધારાસભ્યના કાર્યાલયને ISO 9001:2015 નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. દર વર્ષે કાર્યાલયની કાર્યરીતીને ફરીવાર પણ ઓડિટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અનેક કેમ્પમાં હજારો લાભાર્થીઓએ ભાગ લીધો
સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય ખાતે એક વર્ષમાં 7 હજાર જેટલા નાગરિકોએ મુલાકાત લીધી છે. 10થી વધુ આવકના દાખલાના કેમ્પ, 7 થી વધુ RTEના કેમ્પ કરી નાગરિકોને સરકારની યોજનાઓના લાભો આપાવ્યા છે. આ ઉપરાંત આવકના દાખલાના કેમ્પમાં 2500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. વર્ષ દરમિયાન આધારકાર્ડના કેમ્પમાં 4200 થી વધુ, આયુષ્માન કાર્ડ કેમ્પમાં 700થી વધુ અને આરટીઇ યોજનામાં 140થી વધુ, શ્રમિક અંત્યોદય યોજના ના કેમ્પમાં 250 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે.
ગુગલ પર 5000 વખત નારાયણ સેવા કાર્યાલય સર્ચ થયું
ઓફિસમાં નાગરિકોના પ્રશ્નો અંગે આશરે 368 જેટલી લેખિત ફરિયાદો એ ધારાસભ્યના કાર્યાલય ખાતે મળી હતી. તેમાંથી 309 જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઓફિસ લોકાર્પણ બાદ પ્રથમ આઠ મહિનામાં ગુગલ પર 5000 વખત નારાયણ સેવા કાર્યાલય સર્ચ થયું તેની પણ નોંધ આઈએસઓ સંસ્થા દ્વારા લેવાઈ હતી. નારાયણસેવા કાર્યાલય ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ દર શનિવારે “આયુષ્માન કાર્ડ” કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો -- VADODARA : ડાંગરના ઉભા પાકને રોગથી બચાવવા આટલું ખાસ કરો !