VADODARA : ઠેકેદારના મનસુબા પર પાણી ફર્યું, ગ્રામ્ય LCB એ દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો
VADODARA : વડોદરા (VADODARA) જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટેમ્પોમાં વડોદરા તરફ લવાતો રૂ. 23. 76 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. કરજણ - વડોદરા હાઇવે વલણ ગામ પાસે ઝડપાયેલા દારૂ સાથે પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ દિલ્હી ના ઠેકેદારે 495 પેટી દારૂ ભરેલો ટેમ્પો સુરત પાસેથી મોકલાવ્યો હોવાનું પોલીસ અત્યાસ સુધીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બાતમી મળી
કરજણ - વડોદરા હાઇવે ઉપર વલણ ગામ પાસેથી ઝડપાયેલા 495 પેટી દારૂ ભરેલા ઝડપાયેલા ટેમ્પો અંગે જિલ્લા પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં પી.એસ.આઇ. પી. કે. ભુત તથા સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ગજાભાઇ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિહ હાઇવે ઉપર પેટ્રોલિંગમા હતા. દરમિયાન તેઓને માહિતી મળી કે, રાજસ્થાન પાસિંગનો એક આઇશર ટેમ્પો વલણ ગામ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભો છે. જે બાદ તુરંત એલસીબીની ટીમના જવાનો બાતમીવાળા સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ટેમ્પો ઉભો હતો. અને તેમાં ટેમ્પો ચાલક પણ મળી આવ્યો હતો.
કુલ રૂ. 43. 81 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે
સ્થળ ઉપર પહોંચેલી પોલીસે ટેમ્પો ચાલકને ટેમ્પોમાં ચીજ વસ્તુઓ અંગે પૂછપરછ કરતાં તેણે ગલ્લા-તલ્લા શરૂ કર્યા હતા. બાદમાં પોલીસે કડકાઇ દાખવતા ટેમ્પોમાં દારૂ હોવાની કબુલાત કરી હતી. દરમિયાન પોલીસે તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ નરેન્દ્ર શ્યામલાલ ગુજ્જર ( રહે. પરસરામપુરા, જિલ્લો, જઉજંરઉ ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પો ચાલકને સાથે રાખી ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી 495 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ.પિયા 23.76 લાખની કિંમતનો દારૂ, રૂ. 20 લાખની કિંમતનો ટેમ્પો અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 43. 81 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તે સાથે ટેમ્પો ચાલક નરેન્દ્ર ગુજ્જરની ધરપકડ કરી હતી.
વોટ્સએપ કોલ કરવા માટે જણાવ્યું
ટેમ્પોમાંથી 495 પેટી દારૂ લઇ વડોદરા આવી રહેલા ટેમ્પો ચાલક નરેન્દ્ર ગુજ્જરની કડકાઇ પૂર્વક પુછપરછ કરતા ચાલકે જણાવ્યું હતું કે, દારૂ ભરેલો ટેમ્પો સુરત પાસેથી લીધો હતો. સુરત પાસે દારૂ ભરેલો ટેમ્પો હોવાની માહિતી દિલ્હીના પ્રદિપે વોટ્સએપ કોલ કરીને આપી હતી. સાથે તેણે વડોદરા પહોંચી વોટ્સએપ કોલ કરવા માટે જણાવ્યું હતું.
કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
પોલીસ તપાસમાં દારૂના જથ્થા સાથે ઝડપાયેલો નરેન્દ્ર ગુજ્જરને વર્ષ 2022 માં એક્સપ્રેસ વે ઉપરથી દારૂ સાથે ઝડપાયો હતો. જે મામલે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તે બાદ કરજણ વલણ ગામ પાસેથી 495 પેટી દારૂ વડોદરા લાવતા ઝડપાયો છે. એલસીબીએ આરોપી સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : તહેવારો ટાણે જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા