VADODARA : ગુજરાતમાં ફ્રીઝ થયેલા 28 હજાર બેંક એકાઉન્ટ ચાલુ કરવામાં આવ્યા
VADODARA : પોલીસ મહાનિર્દેશક, ગાંધીનગર તથા પોલીસ મહા નીરીક્ષકની કચેરી, વડોદરા (VADODARA) દ્વારા સાયબર ફ્રોડ વિષે સામાન્ય જનમાનસમાં જાગૃતિ આવે તેના આશયથી કોઠી કચેરી ખાતે પોલીસ અધિક્ષકની કચેરીમાં આજરોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ બી.એચ ચાવડા, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્યના અધ્યક્ષપદે યોજાઈ હતી.
પોલીસનો સકારાત્મક પ્રયાસ
પોલીસ અધિક્ષક બી.એચ ચાવડાએ મીડિયાના માધ્યમથી લોકોને સાયબર અવેરનેસ અંગે એક સંદેશો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાયબર ફ્રોડથી સામાન્ય નાગરિકો છેતરાય નહિ, આવા બનાવો ન બને તેના માટે કેવી તકેદારી રાખવી જોઈએ, જો આવો ફ્રોડ થયો હોય તો ૧૯૩૦ હેલ્પલાઇનનો ઉપયોગ કરી પોતાના પૈસા પરત મેળવી શકે વગેરે જેવા નાણાંકીય ઉચાપત વિરુદ્ધમાં પોલીસ ખુબ સકારાત્મક પ્રયાસ કરી રહી છે.
પ્રમાણિક નાગરિકોના હિતમાં નિર્ણય
ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની નીતિમાં સુધારો કરીને એકાઉન્ટ રહેલી કુલ જમા રકમને બદલે હવેથી છેતરપીંડી થયેલી રકમને જ ફ્રીઝ જ કરવામાં આવશે. આ સાથે ગુજરાતમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ૨૮ હજાર બેંક ખાતાઓ અનફ્રીજ કરવામાં આવ્યા છે જેનો રાબેતા મુજબ ગ્રાહકો ઉપયોગ કરી શકશે. કોઈપણ વ્યક્તિનું એકાઉન્ટ લોક થઈ જતા મુશ્કેલીનો સામનો કરવો પડતો. પરંતુ હવે માધ્યમ વર્ગના અને વેપાર ધંધા સાથે સંકળાયેલ પ્રમાણિક નાગરિકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેટલાક મહત્વના પગલા લીધા
આખરમાં તેમણે જણાવ્યું કે, આ રીતે પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ નિવારવા તેમજ નિર્દોષ પક્ષોના નાણાકીય છેતરપીંડી ઘટાડવા માટે કેટલાક મહત્વના પગલા લીધેલ છે. આમ, સમાજમાં ઓનલાઇન નાણાંકીય ફ્રોડ વિરુદ્ધ જાગૃતિ લાવવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -- VADODARA : કેદારનાથમાં 5 લોકો સલવાયા, સંપર્ક થતા હાશકારો