VADODARA : e-KYC ની મોકાણ, રજાના દિવસે સેવાઓ આપતું તંત્ર કામના દિવસે ઉણું ઉતર્યું
VADODARA : વડોદરા (VADODARA) માં રેશન કાર્ડનું ઇકેવાયસી (RATION CARD - EKYC) કરાવવાની સમસ્યા દિવસેને દિવસે વધતી જતી જાય છે. આજે નર્મદા ભવનના પહેલા માળે સેંકડો અરજદારો વહેલી સવારથી આવી પહોંચ્યા હતા. પરંતુ તેમને તેમના નસીબમાં માત્ર વાટ જોવાનું આવતા આખરે અકળાયા હતા. મહિલા અધિકારી મોડા આવતા અરજદારો આક્રોશિત થયા હતા. અને સરકારી તંત્રની લાપરવાહી સામે મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો. ગતરોજ રજાના દિવસે ઝોન - 4 માં રેશન કાર્ડ માટેના ઇકેવાયસીની કામગીરી કરનાર તંત્ર કામના દિવસે લોકોને સેવાઓ આપવામાં ઉણું ઉતર્યું હોવાનું સપાટી પર આવ્યું છે.
બાળકોનું ભણવાનું પણ બગડી રહ્યું છે
વડોદરામાં રેશન કાર્ડનું ઇકેવાયસી કરાવવાની મોકાણ અટકવાનું નામ નથી લઇ રહી. રોજ જનસેવા કેન્દ્રો પર મોટી મોટી કતારો લાગે છે. વિતેલા કેટલાક દિવસોમાં તો લાંબી કતારોમાં ઉભા રહ્યા બાદ સર્વરમાં ખામી સર્જાતા પરત મોકલી દેવામાં આવ્યા હતા. હવે તો કેવાયસીના કારણે બાળકોનું ભણવાનું પણ બગડી રહ્યું છે. છતાં આ કાર્ય જલ્દીથી પૂર્ણ થાય તેવો કોઇ રસ્તો હાલ જણાતો નથી. ગઇ કાલે રજાના દિવસે તંત્ર દ્વારા ઝોન - 4 માં આવતા હુજરત પગામાં વિશેષ કેમ્પ રાખ્યો હતો. પરંતુ આજે તે જ તંત્ર કામના દિવસે સમયસર લોકોને સુવિધા આપી શક્યું નથી.
ખામી સર્જાય ત્યાર બાદ ફરી નવેસરથી ટોકનની પ્રક્રિયા કરવાની
અરજદાર રાજેશભાઇએ મીડિયાને જણાવ્યું કે, એક અઠવાડિયાથી હેરાન થઇએ છીએ. અને ધક્કા ખાઈએ છીએ. નર્મદા ભવનના પહેલા માળે ટોકન માટે લાઇન લાગે, અને ટોકન મળી જાય પછી સર્વરની ખામી સર્જાય છે. મારા દિકરા માટે હું ધક્કા ખાઉં છું. પણ ઇકેવાયસી થતું જ નથી. સર્વરની ખામી સર્જાય ત્યાર બાદ ફરી નવેસરથી ટોકનની પ્રક્રિયા કરવાની.
અમારો નંબર આવે એટલે કાલે આવજો તેમ કહીને કાઢે છે
મહિલા અરજદાર માલીબહેને મીડિયાને જણાવ્યું કે, 4 દિવસથી હું અહિંયા આવી રહી છું. ખાધા પીધા વગર લાઇનમાં લગાીએ છીએ. હવે તો પગ પણ દુખી રહ્યા છે. રીક્ષા ભાડુ ખર્ચીને આવીએ છીએ. લાઇન પુરી થાય અને અમારો નંબર આવે એટલે કાલે આવજો તેમ કહીને કાઢે છે. આવું ના હોય ભાઇ, દુખ પડે તો કોને કહેવાનું. તેઓ 11 વાગ્યે આવ્યા. અત્યારે મીટિંગ કરાય.
આ પણ વાંચો -- VADODARA : માત્ર લારી-ગલ્લાના દબાણો પર તવાઇ આવતા સામી લડતના એંધાણ