VADODARA : રાવપુરામાં જાહેર માર્ગ પર આવેલી મેડિકલ શોપ ભડકે બળી
VADODARA : વડોદરા (VADODARA) ના રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલ શોપ મળસ્કે ભડકે બળી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે તાત્કાલિક ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને શટર કાપીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનામાં આગની જ્વાળાઓ આજુબાજુમાં જોખમ ઉભી કરે તેમ હોવાથી તેમાં ફસાયેલા બે શખ્સોને ફાયરના લાશ્કરો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ અગાઉ પણ જાહેર માર્ગ પર આવેલી મેડિકલ શોપમાં આગ લગાવાની ઘટના સામે આવી ચુકી છે. જેમાં પણ સંચાલકને મોટું નુકશાન પહોંચ્યું હતું.
ફાયર બ્રિગેડના લાશ્કરો તથા વિજ કંપનીના કર્ચમારીઓ ઘટના સ્થળે દોડી ગયા
વડોદરાના રાવપુરા વિસ્તારમાં જુની, જાણીતી અને મોટી મેડિકલ શોપ આવેલી છે. જે દવા શહેરભરમાં ક્યાંય ના મળે, તે અહિંયા મળે તેવો સ્થાનિકોને મત છે. અહિંયા હોલસેલ અને રીટેલ બંને પ્રકારે દવાઓનું વેચાણ થાય છે. સાથે જ દવા તથા મેડિકલ સામાન રાખવાના મોટા ગોડાઉન પણ આ વિસ્તારમાં આવેલા છે. ગતરાત્રે રાવપુરાના મુખ્ય માર્ગ પર આવેલી એ રોય નામની જુની અને જાણીતી મેડિકલ શોપમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોત જોતામાં મેડિકલ શોપ ચારેય તરફથી આગની જ્વાળાઓમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો તથા વિજ કંપનીના કર્ચમારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ઉપરના ભાગે બે લોકો ફસાયા હોવાની ફાયર બ્રિગેડને જાણ થઇ
વિજ કંપનીના કર્મચારીઓએ મેડિકલ શોપનો વિજ પુરવઠો બંધ કરી દીધો હતો. તો બીજી તરફ ફાયરના લાશ્કરોએ મેડિકલ શોપમાં લાગેલી આગ ઓલવવા તથા તેને અન્યત્રે ફેલાતી અટકાવવા માટેના પ્રયત્નો તેજ કરી દીધા હતા. આગની જ્વાળાએ વિકરાળ હોવાથી આસપાસમાં તેની લપેટમાં કોઇ આવી જાય તેવી શક્યતાઓ પ્રબળ હતી. તેવામાં ઉપરના ભાગે બે લોકો ફસાયા હોવાની ફાયર બ્રિગેડને જાણ થઇ હતી. જેથી લાશ્કરોએ બંનેને રેસ્ક્યૂ કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે આસપાસની દુકાનોના માલિકો પણ દોડી આવ્યા હતા.
આગ લાગવાનું કારણ અને નુકશાનીનો સરવે હાથ ધરવામાં આવશે
ફાયરના લાશ્કરોએ બહારથી આગને શાંત કર્યા બાદ દુકાનનું શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અને ત્યાર બાદ આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગની ઘટનામાં વેપારીને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આગ પર કાબુ મેળવી લીધા બાદ હવે તેનું કારણ અને નુકશાનીનો સરવે હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રોએ આખરમાં જણાવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : નર્મદા નદીમાં 2.45 લાખ કયુસેક પાણી છોડાશે, પ્રશાસન સતર્ક