VADODARA : રૂ. 1.10 કરોડના ખર્ચે સવલતોથી તૈયાર રાયપુરાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
VADODARA : રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ ને જ્યારે ઔધોગિક એકમો અને સમાજસેવી સંસ્થાઓ,દાતાઓ નો સહયોગ મળે છે ત્યારે તેની અસરકારકતા અને વ્યાપ વધે છે. તેનો દાખલો વડોદરા (VADODARA) તાલુકાના રાયપૂરા (RAIPURA - VADODARA DISTRICT) ગામે બાંધવામાં આવેલી સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઈમારતમાં જોવા મળે છે.
રાયપુરા ગામને સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવ્યું
વાત એવી થઈ કે ભાયલી નું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડોદરા શહેરની હદ વધતા શહેરી આરોગ્ય સેવા હેઠળ આવ્યું. તેના પગલે વડોદરા તાલુકાના નજીક ના રાયપુરા ગામને સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવ્યું. તેના પગલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે નક્કી કરવામાં આવેલી સવલતો ધરાવતી નવી ઇમારત બાંધવાની ત્યાં જરૂર પડી. સરકાર દ્વારા જરૂરી ફાળવણી કરવામાં આવી જ હોત.પરંતુ તેમાં વાર લાગવાની સંભાવના હતી, એટલે જિલ્લા આરોગ્ય તંત્રે વડોદરા તાલુકાના ઔધોગિક એકમોનો સંપર્ક કર્યો અને પોતાની જરૂરિયાત સમજાવી. અને પોર સ્થિત કંપનીને સામાજિક જવાબદારી અદા કરવા સરકારી દવાખાનું બનાવવાના કામમાં સહયોગી બનવાનું યોગ્ય લાગ્યું.
આરોગ્ય કેન્દ્રમાં નવું નક્કોર મકાન મળી ગયું
પરિણામે કંપનીએ CSR હેઠળ રૂ.૧.૧૦ કરોડના ખર્ચે,સમયસર અને જરૂરી સવલતો ધરાવતી અદ્યતન ઇમારત બાંધી આપી.તેના પગલે ગઈકાલે રાયપુરા ગામના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવું નક્કોર મકાન મળી ગયું. વનરાઈ સંસ્થાએ દાતા એકમ વતી આ ઇમારતનું નિર્માણ કર્યું છે. તાજેતરમાં દાતા કંપનીના અધિકારીઓ ની ઉપસ્થિતિ માં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રી બા મહીડા અને વિસ્તારના વિધાયક શૈલેષભાઈ મહેતા એ આ નવી સુવિધાનું લોકાર્પણ કર્યું.
જૂની ઇમારતોના નવીનીકરણ નું આયોજન
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણે એ જણાવ્યું કે હાલમાં વડોદરા જિલ્લામાં કુલ ૪૨ પ્રાથમિક અને ૧૧ સામુદાયિક આરોગ્ય કેન્દ્રોના નેટવર્ક હેઠળ જિલ્લાના લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે દવાખાનાઓ ની જૂની ઇમારતોના નવીનીકરણ નું આયોજન કર્યું છે જેમાં શક્ય બને ત્યાં કોર્પોરેટ અને સામાજિક દાતાઓ નો સહયોગ લેવામાં આવે છે.હાલમાં સાધી અને રણોલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ડભોઇના શહેરી આરોગ્ય કેન્દ્ર માટે નવા મકાનો બનાવવામાં આવી રહ્યાં છે.આ ઉપરાંત ચોકારી અને અવાખલ ગામે નવીન આયુષ્માન આરોગ્ય કેન્દ્રો બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો.નીરજ દેસાઈ તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : 6 દિવસ સંસ્કારી નગરીનું આતિથ્ય માણી કાશ્મીરી યુવકો રવાના