VADODARA : પૂર સમયે આત્મનિર્ભર બનવા તરફ શહેરવાસીઓનું પ્રયાણ
VADODARA : વડોદરાવાસીઓ (VADODARA) ઐતિહાસિક પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવ્યા છે. જે પછી શહેરના પાલિકા (VMC - VADODARA) ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા લોકોને પૂર સમયે મદદ માટે ટ્યુબ, દોરડા અને તરાપા વસાવી લેવાનું સુચન કર્યું હતું. ત્યારે હવે વડોદરાવાસીઓ પૂર સમયે આત્મનિર્ભર બનવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના અકોટા વિસ્તારમાં ઉર્મી ચાર રસ્તા પાસે આવેલી હોસ્પિટલમાં નવી નક્કોર બોટ અને લાઇફ જેકેટ જોવા મળી રહ્યા છે. આ હોસ્પિટલ બહાર કમરસમા પાણી ભરાઇ જવાના કારણે મુશ્કેલી સર્જાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
પાલિકાની આબરૂનું ધોવાણ થતા બાદમાં માફી માંગી
વડોદરામાં આ વખતે ઐતિહાસીક માનવસર્જિત પૂરની સ્થિતી સર્જાઇ હતી. જે વિસ્તારોમાં ક્યારે પણ પાણી ભરાયા ન્હતા, ત્યાં પણ પાણી ભરાયા હતા. અને ત્રણ-ચાર દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા ન્હતા. આ સમયે લોકો સુધી મદદ પહોંચાડવામાં સદંતર નિષ્ફળ પાલિકા તંત્રના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા ત્યાર બાદમાં લોકોને દોરડા, ટ્યુબ અને તરાપા વસાવી લેવાની સલાહ આપવામાં આવી હતી. જે મામલે પાલિકાની આબરૂનું ધોવાણ થતા બાદમાં માફી માંગી હતી. જો કે, હવે લોકોને તંત્ર પર ભરોસો ના હોય તેવું લાગી રહ્યું છે. આ વાતની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે.
હોસ્પિટલની બહાર નવી નક્કોર બોટ અને લાઇફ જેકેટ દેખાયા
વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા ઉર્મી ચાર રસ્તા પાસે આવેલી શુભેચ્છા હોસ્પિટલ પાસે કમરસમા પાણી પૂરમાં ભરાઇ ગયા હતા. અને ભારે મુશ્કેલી સર્જાઇ હતી. હવે પૂરના પાણી ઓસરતા હોસ્પિટલની બહાર નવી નક્કોર બોટ અને લાઇફ જેકેટ જોવા મળી રહ્યા છે. જે હવે વડોદરાવાસીઓ ધીરે ધીરે પૂર સમયે આત્મનિર્ભર બનવા તરફ જઇ રહ્યા હોવાનો સંકેત આપી રહ્યો છે. સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલોપ કરવામાં આવતા વડોદરા શહેરમાં પૂર સમયે આવા બેહાલ થશે તેવું કોઇએ સ્વપ્નેય વિચાર્યું નહીં હોય. હવે લોકો ચેરમેનની હાસ્યાસ્પદ ગણાતી સલાહ માનીને જાતે જ તૈયાર થઇ રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાનથી બે દર્દીઓને નવજીવન મળ્યું